Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગમાં ચાલતી લાલીયાવાડી

એક જ કામ માટે બે વખત ખર્ચ દર્શાવવામાં આવી રહ્યો છે- તેમની પાછળ છેલ્લા છ વર્ષમાં કુલ કેટલો ખર્ચ તેની ચોક્કસ માહિતી પણ AMC હેરિટેજ વિભાગ પાસે નથી. 

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને યુનોસ્કો દ્વારા ૨૦૧૭માં વર્લ્ડ હેરિટેજ સિટી નો વૈશ્વિક દરજ્જો મળ્યો પરંતુ અમદાવાદ શહેરમાં આવેલી ઐતિહાસિક ઈમારતો તેમજ હેરિટેજ દરવાજાઓ, વોલ, તેમજ અન્ય મિલકતો આજે જર્જરીત હાલતમાં થયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા તેની જાળવણી અને સૌરક્ષણ કરવામાં આવતું નથી. જેના કારણે ઐતિહાસિક ઇમારતો તેમજ હેરિટેજ માં આવતી તમામ મિલકતો જેવા કે દરવાજા, વોલ, કોટ તેમજ અન્ય ઇમારતો આજે લુપ્ત થવાના આરે છે.

જમાલપુર ના કોર્પોરેટર રફીક શેખ ના જણાવ્યા મુજબ ભદ્ર વિસ્તારમાં આવેલ જાન સાહેબની ગલીની સામે અબ્દુલ સમદ ની દરગાહ આવેલી છે.તેની લગોલગ આવેલ હેરિટેજ દીવાલ કે જે આશરે ૬૦૦ વર્ષ જૂની હતી. તે એ દીવાલ જર્જરીત થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગમાં એક વર્ષ અગાઉ લેખિતમાં પત્ર દ્વારા જાણ કરી હતી. પરંતુ તેમને સ્પોટ વિઝીટ કર્યા પછી પણ તે દીવાલ પ્રાઇવેટ છે તેવું જણાવ્યું હતું.

પરંતુ સ્થાનિકોની રજુઆત ના પગલે ફરી વર્ષ ૨૦૨૪ -૨૦૨૫ ના બજેટ પહેલા હેરિટેજ વિભાગના અધિકારી જોડે ટેલીફોનિક વાત કરતા તેમણે તે દિવાલ બીએસએલ ની હોવાનું જણાવ્યું હતું. બજેટ સત્ર પહેલા સંકલનના પ્રશ્નમાં આ દિવાલ બાબતે પૂછતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેરિટેજ વિભાગ, દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી કે આ દીવાલ હેરિટેજ ની યાદીમાં લિસ્ટેડ છે. અને જેનો સર્વે નંબર ૪૧૫૫ છ છે.

જેથી સ્પષ્ટ થાય છે કે હેરિટેજ વિભાગ માં અધિકારીઓની બેદરકારીના કારણે આ દિવાલ પડી ગઈ અને હેરિટેજ દીવાલ ન રહેતા લોકો નિરાશ થયા, આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આવા અધિકારી સામે પગલા ભરવા જોઈએ જો આ રીતે અધિકારીઓને જ જાણમાં ન હોય તો તેમને આ પોસ્ટ ઉપર રહેવાનો અધિકાર નથી. જો આવી બેદરકારી રાખવામાં આવશે તો આવનાર સમયમાં આવી હેરિટેજ માં આવતી તમામ મિલકતો લુપ્ત થઈ જશે. જેથી આવનાર પેઢી તમને માફ કરશે નહીં.

શહેરમાં હેરિટેજમાં આવતી મિલકતો અને તેમની પાછળ છેલ્લા છ વર્ષમાં કુલ કેટલો ખર્ચ તેની ચોક્કસ માહિતી પણ હેરિટેજ વિભાગ પાસે નથી. આ અંગે જવાબદાર અધિકારીઓએ હેરિટેજમાં આવતી મિલકતોની યાદી તેમજ વર્ષ અને અંદાજિત રકમની ફક્ત વિગત આપી રહ્યા છે. તેથી સ્પષ્ટ થાય છે કે રીલીફ રોડ ખાતે આવેલ કેલિકોડોમ ના બીજા તબક્કામાં રિસ્ટોરેશન કરવાના કામ બાબતે રુ ૧૫૦૦૦૦૦૦ ( એક કરોડ પચાસ લાખ) અંદાજિત રકમ બતાવવામાં આવી હતી.

જે (૧૯-૨૦) મા બતાવેલ હતી. આ જ કામ માટે સને ૨૨ અને ૨૩ માં આ જ રીલીફ રોડ ઉપર આવેલ કેલિકો ડોમનો બીજા તબક્કામાં રિસ્ટોરેશન કરવાના કામ માટે ૨૪૮૧૮૬૩૫ (બે કરોડ ૪૮ લાખ રૂપિયા)અંદાજિત રકમ બતાવવામાં આવી છે. ખરેખર આ રકમ અંદાજીત રકમ આગળ ખેંચવામાં આવી છે. કે આ કામ માટે ખર્ચ કરવામાં આવ્યો છે?

જો ખર્ચ કરેલો હોય તો એક કામના બે પેમેન્ટ કઈ રીતે કરી શકાય? બીજું કે આગળ અંદાજિત રકમ એક કરોડ ૫૦ લાખ બતાવી હોય તો તેનો અંદાજ સીધો બે કરોડ ૪૮ લાખ કરતાં વધુ ૨૨ -૨૩માં કઈ રીતે વધી ગઈ. જે શંકા ઉપજાવે છે તેથી હેરિટેજ પ્રોજેક્ટના તમામ સ્થળની અને તેની પાછળ થયેલા ખર્ચની કમિશનરે તપાસ કરાવી જોઈએ. અને આ અંદાજિત રકમ છે કે ખર્ચ કરેલો છે. જો ખર્ચ કરેલો હોય તો એક જ કામના બે વાર ખર્ચ કઈ રીતે થઈ શકે? તે માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. તેમ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.