નોકરીના બદલામાં જમીન કૌભાંડ મામલે લાલુના પરિવારના સભ્યોને સમન્સ

આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જાહેર કર્યા
નવીદિલ્હી, રાષ્ટ્રીય જનતા દળના વડા અને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોકરી માટે જમીન કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે (૨૫મી ફેબ્રુઆરી) લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જાહેર કર્યા અને તેમને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, હેમા યાદવ, તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ સહિત તમામ આરોપીઓને સમન્સ જાહેર કર્યા છે. આ કેસમાં સીબીઆઈએ લાલુ યાદવ સહિત ૭૮ લોકો સામે નિર્ણાયક ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે લાલુ પ્રસાદ યાદવ વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે તેમણે સૌથી નીચલા સ્તરની નોકરીઓ આપવાના નામે મોટો કૌભાંડ કર્યું હતું. જેમાં લાલુ પ્રસાદ યાદવે રેલવેમાં નોકરી આપવાના નામે પરિવારના સભ્યોના નામે જમીન અને મિલકત ટ્રાન્સફર કરાવી.
જમીનના બદલામાં, મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરના રેલવે ઝોનમાં નોકરીઓ આપવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે બધા આરોપીઓને ૧૧મી માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો હતો. આમાં ભોલા યાદવ, પ્રેમચંદ ગુપ્તાને સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે, ‘એવો આરોપ છે કે પ્રેમચંદ ગુપ્તા લાલુ યાદવના સહયોગી તરીકે કામ કરતા હતા.’