લાંભામાં કોલેરાનો કન્ફર્મ કેસઃ કુલ પાંચ કેસ નોંધાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં શિયાળા ની સીઝન દરમ્યાન પણ મચ્છર અને પાણીજન્ય રોગના કેસ ચિંતાજનક હદે વધ્યા છે. ખાસ કરીને, ડેન્ગ્યુ અને કોલેરા ના કેસમાં વધારો જોવા મળ્યો છે. ૨૦૨૫માં કોલેરાના ૦૫ અને ડેન્ગ્યુના ૭૦ કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં નરોડા વિસ્તારમાં કોલેરાના કેસ કન્ફર્મ થયા બાદ લાંભામાંથી પણ એક નવો કેસ બહાર આવ્યો છે.
સ્માર્ટસિટી અમદાવાદમાં રોગચાળો લગભગ કાયમી બની ગયો છે. ૨૦૨૪માં કોલેરાના ૨૦૨ કેસ સામે ૨૦૨૫માં ૦૪ કેસ નોંધાયા છે. શહેરમાં પાછલા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોલેરાના કેસ વધી રહયા છે. ચાલુ વર્ષે કોલેરાના કુલ ૦પ કન્ફર્મ કેસ નોંધાયા છે. જાન્યુઆરી ૧, ફેબ્રુઆરી-૦ર, અને માર્ચ મહિનામાં પણ કોલેરાના-૦ર કેસ નોંધાયા છે કોલેરાનો છેલ્લો કેસ લાંભા વોર્ડમાં કન્ફર્મ થયો છે જેમાં ૩પ વર્ષના યુવાનને કોલેરા થતા એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
શહેરમાં ડેન્ગ્યુના કેસ પણ વધી રહયા છે. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના ૭૦ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વઝોનમાં ર૯ અને દક્ષિણ ઝોનમાં ૨૪ અને ઉત્તરમાં ૯ કેસ મુખ્ય છે જયારે ચીકનગુનીયાના ૦૪ કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના ર૩ અને ઝેરી મેલેરિયાના ૦પ કેસ નોંધાયા છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે સાવચેતી ના પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ તે અપૂરતા સાબિત થયા છે. ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં નીલ ક્લોરીન ના રીપોર્ટ/સ્પોટની સંખ્યા પણ ઘટી છે. તેમ છતાં કોલેરા અને કમળા ના કેસ વધી રહયા છે. શિયાળાની સીઝનમાં પણ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો જેના કારણે ડેન્ગ્યુ ના કેસ વધ્યા હોવાનું માનવામાં આવે છે.