Western Times News

Gujarati News

ગાંધીનગરમાં સરકારી જમીન બારોબાર વેચાઈ, સબ રજિસ્ટ્રાર સામે ગુનો નોંધાયો

પીરોજપુર ગામની જમીન ભૂમાફિયાઓને પધરાવી દેવાનું કૌભાંડ

ગાંધીનગર, ગૌચરની અને પડતર સરકારી જમીન હડપ કરવા ભૂમાફિયાઓ ટાંપીને બેઠેલા છે. ભ્રષ્ટ અધિકારીઓની મદદથી કયારેક ભૂમાફિયાઓ પોતાના ષડયંત્રમાં સફળ પણ થાય છે.

સામાન્ય રીતે સરકારી બાબુઓની સંડોવણી હોવાથી આ પ્રકારના કિસ્સામાં ભીનું સંકેલી લેવાતું હોય છે, પરંતુ ઉચ્ચ કક્ષાએથી આ પ્રકારની ગેરરીતિઓ સામે કડક પગલાં લેવાની સૂચના મળતાં ગાંધીનગર જિલ્લાના સબ રજિસ્ટ્રાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પીરોજપુર ગામમાં આવેલી લાખો રૂપિયાની સરકારી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના મામલે ગાંધીનગરના સબ રજિસ્ટ્રાર સામે સેકટર-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાંચ મહિનાથી ઈન્ચાર્જ મદદનીશ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગર તરીકે ફરજ બજાવતા હાર્દિક નગીનભાઈ પટેલની ફરજમાં ગાંધીનગર જિલ્લામાં આવતી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓનું સુપરવિઝન કરવાનો સમાવેશ થાય છે.

તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગાંધીનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-૩માં સબ રજિસ્ટ્રાર તરીકે વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. વિષ્ણુભાઈએ ૧૬ એપ્રિલે પીરોજપુર ગામની સીમના સર્વે નં-૧૭૯ના કુલ ક્ષેત્રફળમાંથી પ૦ ટકા એટલે કે ર૭૩પ ચોમી જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી કરી હતી. રેકોર્ડ મુજબ આ જમીનના માલિક તરીકે શ્રીસરકારનું નામ ચાલી રહ્યું હતું.

દસ્તાવેજની નોંધણી કરતી વખતે ટાઈટલની સત્યતા ચકાસવાની અને સરકારના હિત જોવાની જવાબદારી સબ-રજિસ્ટ્રારની હોય છે. દસ્તાવેજની નોંધણી યાંત્રિક રીતે નહી કરવા બાબતે પરિપત્ર પણ થયેલો છે. પોતાની ફરજ મુજબ કાર્યવાહી કરવાના બદલે વિષ્ણુભાઈ દેસાઈએ સરકારી જમીનના વેચાણનો દસ્તાવેજ નોંધ્યો હતો. નોંધણી થયેલી જમીનની બજાર કિંમત હાલની જંત્રી મુજબ રૂ.પ૯,૬૭,૭૭૦ છે.

સરકાર સાથે ગુનાઈત વિશ્વાસઘાત કરી આર્થિક છેતરપિંડી તથા ફરજમાં ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. સેકટર-૭ પોલીસે સબ રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ કર્યો છે, જેના કારણે મહેસૂલી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ મામલે જમીન ખરીદનારા તથા વેચનારા ભૂમાફિયા અને તેમના સાગરિતોને શોધવા કવાયત શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.