કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન
કેરળ, કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં ૧૦૦થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે લગભગ ૨ વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું.
આ પછી સવારે લગભગ ૪.૧૦ વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનને કારણે ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા ૧૬ લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતા જ સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું. આજે રાજ્યના મંત્રી ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે.વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે.
નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર ૯૬૫૬૯૩૮૬૮૯ અને ૮૦૮૬૦૧૦૮૩૩ પણ જારી કરવામાં આવ્યા છે.
વાયુસેનાના બે હેલિકોપ્ટર એમઆઈ-૧૭ અને એક એએલએચ તમિલનાડુના સુલુરથી સવારે ૭.૩૦ વાગ્યે રવાના થશે.ભૂસ્ખલન પછી, સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમારાસેરી પાસ દ્વારા આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તમામને પાસ દ્વારા રસ્તો બનાવવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ સામગ્રી મુંડકાઈ સુધી પહોંચાડી શકાય.તમને જણાવી દઈએ કે વાયનાડ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો લોકસભા ક્ષેત્ર છે. આ વર્ષે (૨૦૨૪) પણ, રાહુલ ગાંધીએ રાયબરેલી તેમજ વાયનાડથી લોકસભા ચૂંટણી જીતી હતી, જોકે બાદમાં તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી.SS1MS