પાલનપુરમાં મોડી રાત્રીના સમયે જાહેરચોકમાં અસામાજીક તત્વોનો ત્રાસ
પાલનપુર, પાલનપુર શહેરના ડેરી રોડ પર આવેલ ટેકનિકલની પાછળ આવેલ વીરુભાઈ ગેટ વિસ્તારના ચોકમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી જતા સ્થાનિકોમાં ભય અને ચિંતાની લાગણી પ્રસરી છે. આ અંગે તાત્કાલીક પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનના પી.આઈ. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ આ વિસ્તારની મોડી રાત્રીએ સરપ્રાઈઝ મુલાકાત લઈ અસામાજીક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરે તેવી રહીશોની જન માંગ ઉઠવા પામી છે.
પાલનપુર શહેરના વિરબાઈ ગેટ ઓડવાસના નાકે તેમજ જાહેર ચોકમાં મોડી રાત્રીના સમયે કેટલાક લુખ્ખા અસામાજીક તત્વો તેમના મળતીયાઓનું ગ્રુપ બનાવી બીન જરૂરી જમાવડો કરી દારૂની મહેફીલો માણતા હોય છે. તો વળી કોઈ મા બહેનને જાહેરમાં નિકળવું હોય તો આ લુખ્ખા તત્વો મા બહેનની મશ્કરી કરવાનું ચુકતા નથી અને કોઈ તેમને કહેવા જાય તો તેની સાથે મારામારી પર ઉતરી આવતા હોવાનું અહીના જાગૃત રહીશો દ્વારા સાંભળવા મળી રહ્યું છે.
તો વળી મોડી રાત્રી સુધી જાહેર ચોકમાં બિભત્સ ગાળો બોલી વિસ્તારોની શાંતી ભંગ કરી રહયા છે જે બાબતે પૂર્વ પોલીસ મથકના પી.આઈ. તેમજ જાગૃત જિલ્લા પોલીસ અધિક્ષક મોડી રાત્રીએ આ વિસ્તારની સરપ્રાઈઝ મુલાકાત લઈ આવા લુખ્ખા તત્વોને કાયદેસરનો પાઠ ભણાવે અને કડક કાનૂની કાર્યવાહી કરે તેવી અહીના રહીશોની જનમાંગ છે.