લાઠી બેઠક પરથી કોંગ્રેસના વિરજી ઠુંમરે ચૂંટણી ફોર્મ ભર્યું
લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિરજીભાઇ ઠુંમરે આજે ચૂંટણી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમણે લાઠીમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જાહેર સભાને સંબોધી હતી.
તેમણે આગામી પાંચ વર્ષ માટે ફરી તેમને ચૂંટી કાઢવામાં આવશે તો વિકાસ કાર્યોની ખાતરી આપી હતી. આ સાથે તેમણે ‘ગુજરાત મેં બનાવ્યું છે’ તે મુદ્દા પર ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાત ભગવાન કૃષ્ણના સમયથી સમૃદ્ધ છે અને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ ગુજરાત બનાવ્યું છે.
પણ ભાજપના શાસનમાં બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય અને દેશની જનતા પીસાઇ રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં કોંગ્રેસ ૧રપ સીટો સાથે સરકાર બનાવી રહી છે અને જિલ્લાની પાંચેય બેઠકો કોંગ્રેસ જંગી લીડથી જીતી રહી છે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સભામાં જેનીબેન ઠુંમર, શંભુભાઇ દેસાઇ, ઠાકરશીભાઇ મેતલીયા, જીતુભાઇ વાળા, આંબાભાઇ કાકડીયા, જસમતભાઇ ચોવટીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.