અંબાજી નજીક કુંભારીયા ખાતે શ્રી શક્તિ વસાહતમાં 101 આવાસોનું લોકાર્પણ
બનાસની ધરતી પર વિકસિત ભારત, વિકસિત ગુજરાત આવાસ અર્પણનો કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારીયા અને જલોત્રા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વસાહતની મુલાકાત લઈ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો
વિકસિત ભારત, વિકસિત ગુજરાત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજી નજીક કુંભારિયા અને વડગામ તાલુકાના જલોત્રા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વસાહતની મુલાકાત લઈ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લખની છે કે, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક કુંભારીયા ખાતે શ્રી શક્તિ વસાહતમાં 101 આવાસો અને વડગામ તાલુકાના જલોત્રા ગામે નિર્માણ પામેલ ૯૧ આવાસોનું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જે આવાસોના લાભાર્થીઓની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ મુલાકાત લઈ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરે કુંભ મુકી તેનું પૂજન કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. પ્રેમ, હૂંફ અને લાગણીઓના સુખના સરનામા સમાન ઘર મળતા લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના અધ્યક્ષા શ્રીમતી ઉષાબેન અગ્રવાલ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.