સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે 22 કરોડના ખર્ચે 176 ‘જેલ પોલીસ આવાસો’નું લોકાર્પણ
કોઈપણ ઈમારત ‘ઘર’ ત્યારે જ બને છે, જ્યારે ઘરમાં વસવાટ કરનાર પરિવાર તેને પોતાનું સમજીને તેમાં સ્વચ્છતા અને સાર-સંભાળ રાખે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના સફળ નેતૃત્વ હેઠળ પોલીસ વિભાગની તમામ જરૂરિયાતો પરિપૂર્ણ થઈ છે: અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ.એન રાવ
અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કુલ રૂપિયા 22 કરોડના ખર્ચે નવનિર્મિત 176 ‘જેલ પોલીસ આવાસો’નું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રી દ્વારા નવનિર્મિત આવાસોની ફાળવણી કરવામાં આવેલ પોલીસ કર્મચારીઓને આવાસની ચાવી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે સાબરમતી જેલના સ્ટાફ તેમજ તેમના પરિવારો માટે 176 નવા મકાનોની ભેટ આપવામાં આવી રહી છે તેનો ખૂબ જ આનંદ અનુભવાય છે.
તેઓએ આવાસની સ્વચ્છતા અંગેની વાત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ ઈમારત ‘ઘર’ ત્યારે જ બને છે, જ્યારે ઘરમાં વસવાટ કરનાર પરિવાર તેને પોતાનું સમજીને તેમાં સ્વચ્છતા અને સાર-સંભાળ રાખે. જેથી આ 176 આવાસમાં વસવાટ કરનાર તમામ જેલ પોલીસ સ્ટાફ આવાસને પોતાનું આવાસ સમજી સાર-સંભાળ તથા સ્વચ્છતા રાખશે તેવી મને ખાતરી છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આઝાદી પહેલાની જેલોની વાત કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આઝાદી પૂર્વે અંગ્રેજો દ્વારા જે જેલોનું નિર્માણ કરવામાં આવતું હતું, તે કેદીઓને જીવનભર એક કેદી જ બનાવતી હતી. કેદીઓ સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. કેદીઓમાં સમાજ-સુધાર આવે કે વિકાસની ભાવના કેળવાય તેવા કોઈપણ પ્રયત્નો કરવામાં આવતા નહોતા.
પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતમાં જેલોનો વિકાસ કરવામાં આવ્યો.
કેદીઓમાં પોતાના સુધારની સાથે સાથે સમાજ સુધારની ભાવના કેળવાય તથા તે શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રે જેલમાં જ રહી પોતાનો વિકાસ કરી શકે તેવી સુવિધાઓ જેલમાં વિકસાવવામાં આવી છે તેમ તેઓએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે સુરતની જેલમાં કેદીઓ હીરા ઘસવાની કામગીરી કરે છે, અને તેમની કામગીરી કોઈ ઔદ્યોગિક નિષ્ણાત કરે તેનાથી પણ અદભુત છે, વડોદરાની જેલમાં ફર્નિચર બનાવવાની કામગીરી કરવામાં આવે છે અને તે ફર્નિચર કશ્મીરથી કન્યાકુમારી સુધી એક્સપોર્ટ કરવામાં આવે છે,
સાથે જ ગુજરાતની જેલોમાં રેડિયો સ્ટેશન વિકસાવવામાં આવ્યા છે અને પુસ્તક પ્રત્યેક કેદીઓનો રસ જાગૃત થાય તે માટે પુસ્તકાલયઓ પણ વિકસાવવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં મેટ્રેસ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ તમામ બાબતોનો મૂળ ઉદ્દેશ માત્ર કેદી ના હૃદય પરિવર્તન અને સમાજમાં તેના સારા યોગદાનનો છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
અંતે તેઓએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકાર તરફથી 176 આવાસોની જે ભેટ આપ તમામ કર્મચારીઓને સોંપવામાં આવી છે તે બદલ આપને અને આપ સૌના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે અધિક પોલીસ મહનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ ડો. કે.એલ.એન રાવે જણાવ્યું હતું કે, સરકાર તરફથી આજે નવનિર્મિત 176 આવાસોની ભેટ જેલ પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓને આપવામાં આવી છે, તે બદલ આનંદની લાગણી અનુભવાય છે અને ગુજરાત રાજ્ય સરકારનો હું આભાર વ્યક્ત કરું છું. તેમ તેઓએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જેલ, પોલીસ હાઉસિંગ તથા સરહદી સુરક્ષા જેવા હવાલા સંભાળવાની કામગીરી કરવામાં આવી છે ત્યારથી પોલીસ કર્મીઓને કોઈપણ બાબતની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી તમામ જરૂરિયાતો પરિપૂર્ણ કરવામાં આવી છે તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું તેમ તેઓએ જણાવ્યું હતું.
અંતે તેઓએ જણાવ્યું હતું કે, 220 કરોડના કાર્યો ગુજરાત સરકાર દ્વારા વિવિધ જેલો અને પોલીસ આવાસોના નવનિર્માણ માટે કરવામાં આવશે.
અંતે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આવાસના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, અધિક્ષક શ્રી શ્વેતા શ્રીમાળી અમદાવાદ મધ્યસ્થ જેલ, તથા વિવિધ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.