Western Times News

Gujarati News

સરઢવ ગામ ખાતે 85 કરોડના વિવિઘ પ્રક્લ્પોના લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી

 ગરીબ- વંચિત અને છેવાડાના માનવની અપેક્ષા પૂર્ણ કરી ’ ઇઝ ઓફ લીવીંગ’ ના શ્રેષ્ઠ માપદંડો દ્વારા સુવિઘાપૂર્ણ જીવન માટે રાજય સરકારે અભિયાન હાથ ઘર્યું છે : મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર સંસદીય મતવિસ્તારના સરઢવ ગામ ખાતેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ- ગુડાના રૂ. ૮૫.૩૦ કરોડના વિવિધ પ્રક્લ્પોના ખાતુમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, આજે ભારત દેશ આઝાદીના અમૃતકાળમાં પહોંચ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ભારતે દુનિયામાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી સ્વાતંત્ર્ય પર્વે પ્રત્યેક નાગરિક પોતાના ઘર પર તિરંગો લહેરાવીને વર્ષ- ૨૦૪૭ સુઘીમાં શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બને.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે પ્રઘાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને શુભ પ્રતિક તરીકે કળશ અર્પણ કરી સુખમય જીવનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે વઘુમાં જણાવ્યું હતું કે, આજે માણસા અને સરઢવના મતક્ષેત્રમાં રૂ. ૧૦૦૦ કરોડથી વઘુના વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત થયા છે. એટલું જ નહી ૮૦૦ જેટલા પરિવારો માટે ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ દેશની જનતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકારની પડખે અડિખમ વિશ્વાસ સાથે ઉભી છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સવાસો કરોડ દેશવાસીઓના પુરુષાર્થ ભારત દેશને સુખી-સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની રાજય સરકાર અહર્નિશ કાર્ય કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે દુનિયાને પોતાનું સામર્થ્થ દર્શાવ્યું છે. નવ વર્ષમાં  ભારત દેશનું અર્થતંત્ર હાલ પાંચમાં નંબરે છે. જેને આગામી બે વર્ષમાં ત્રીજા નંબરે લઇ જવા માટે આપણે સંકલ્પબદ્ધ છીએ

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જ્યારે તેમના ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં પધારે છે ત્યારે વિકાસ કામોની વણઝાર સાથે લઈને આવે છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોક પ્રતિનિધિને જાગતિક જનપ્રતિનિધિ તરીકે કર્તવ્યબદ્ધ  થવા અનુરોધ કર્યો છે, તેમની આ સંકલ્પનાને કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહે સાકાર કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે માણસા-બાલવા રાંધેજા રોડને ચાર માર્ગી બનાવવાના કાર્યનું તેમજ એનએસજી ના સંકુલ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, એટલું જ નહીં ગુડાના રૂ. 85 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત થયા છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક પણ અઠવાડિયું એવું નથી કે જ્યાં વિકાસ કામોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત ન થતું હોય.

 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે ગરીબ, વંચિત અને છેવાડાના માનવીની અપેક્ષા પૂર્ણ કરી ઇઝ ઓફ લિવિંગના શ્રેષ્ઠ માપદંડો દ્વારા સુવિધા પૂર્ણ જીવન માટે રાજ્ય સરકારે અભિયાન હાથ ધર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય માનવીની અપેક્ષા એવા આરોગ્ય, આહાર અને આવાસની સુવિધા માટે રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યું છે. જરૂરતમંદ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી એ સુખમય જીવનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં સરકારે શહેરી વિકાસ ક્ષેત્રે ઊડીને આંખે વળગે તેવું કાર્ય કર્યું છે આ સમય દરમિયાન મહાનગરોનાં વિસ્તરતા ક્ષેત્રોમાં ₹674 કરોડના 594 કામો મંજૂર કર્યા છે. શહેરી વિકાસ માટે સરકારે બજેટમાં 37% નો વધારો કર્યો છે. તેમણે વિકસીત ભારતના નિર્માણ માટે સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા આ તકે અનુરોધ પણ કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આજના દિવસને વિકાસનો ઉત્સવ ગણાવ્યો હતો. ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુડાના વિકાસ પ્રકલ્પો સાથે સાથે રાંધેજા -બાલવા ચાર માર્ગી રસ્તાનું ખાતમુહૂર્ત તેમજ રાંધેજાની શેઠ શ્રી એન એન પટેલ સાર્વજનિક હોસ્પિટલ અને સરઢવ ની રેવાબા સાર્વજનિક હોસ્પિટલના નવનિર્માણ કાર્યનો શુભારંભ પણ કરાવ્યો હતો  આ પ્રસંગે મંત્રીશ્રીએ સરઢવની જનતાનગર આંગણવાડી ખાતે બાળકોને રમતગમતના સાધનો અર્પણ કર્યા હતા તેમજ શશીકલા ઉદ્યાન સહિત અન્ય ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, અગ્રણી શ્રી વાડીભાઈ પટેલ, શ્રી અનિલભાઈ પટેલ તેમજ ગુડાના ચેરમેન શ્રી જે. એન. વાઘેલા, મુખ્ય કારોબારી અધિકારી શ્રી બી. પી. દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયાએ આભાર દર્શન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.