નશો છોડવા માટેની મફત સારવાર એલ.જી. હોસ્પિટલના ATF CENTREમાં થશે
શેઠ એલ. જી. જનરલ હોસ્પિટલ ખાતે અમદાવાદ જિલ્લાનું સૌ પ્રથમ ATF CENTREનું લોકાર્પણ
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં નશાની આદત ધરાવતા લોકોને કોઇપણ પ્રકારનો નશો છોડવા માટેની મફત સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે
નશાના કારણે યુવા ધન અને આવનારી પેઢી બરબાદ ન થાય તેવા ઉમદા હેતુથી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય AIMS દિલ્હીની સાથે મળીને સમાજમાં નશાના દુષણને અટકાવવા સારવાર કરવા અને નશા કરતા વ્યક્તિઓને સમાજમાં મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની જાગૃતતાનું કાર્ય કરે છે.
આ અવેરનેસ અંતર્ગત ૮ ફેબ્રુઆરી ગુરુવારના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. વીરેન્દ્ર કુમાર, વરદ હસ્તે ડૉ. આંબેડરકર ઈન્ટરનેશનલ સેન્ટર જનપથ – ન્યુ દિલ્હીથી વર્ચ્યુઅલ મોડ દ્વારા સમગ્ર દેશના કુલ ૪૧ એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી સેન્ટર- ATFનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી મેડીકલ કૉલેજ સાથે સંલગ્ન શેઠ એલ.જી.જનરલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અમદાવાદના મેયરશ્રી પ્રતિભાબેન જૈનના હસ્તે અમદાવાદ જિલ્લાના સૌ પ્રથમ એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી સેન્ટર(ATF CENTRE)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ સેન્ટરમાં આલ્કોહોલ (દારૂ), તમ્બાકુ, ગાંજો, ઓપીઓઈડ (અફીણ, બ્રાઉન શુગર), ચરસ, ભાંગ, ઈન્હેલર, કફ સિરપ જેવા નશાની સારવાર આપવામાં આવશે, જેથી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં નશાની આદત ધરાવતા લોકોને કોઇપણ પ્રકારનો નશો છોડવા માટેની મફત સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ સાથે મળીને નશામુક્ત ભારત અંગેના માનનીય વડાપ્રધાનના સપનાને સાકાર કરવાની કામગીરી કરવામાં આવશે.