ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ અક્ષત વ્યાસ લિખિત પુસ્તક “વકીલની કલમે“ નું લોકાર્પણ
અમદાવાદ, તા. ૧૭/૧૨/૨૩ રવિવારે સવારે સુરેન્દ્રનગરના રોટરી હોલ ખાતે યુવાન વકીલ શ્રી અક્ષત વ્યાસ દ્વારા લિખિત પુસ્તક “ વકીલની કલમે “ નું ભવ્ય લોકાર્પણ થયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયધિશ અને ગુજરાત માનવ અધિકાર પંચના ચેરપર્સન શ્રી કૌશલ જે. ઠાકર તેમજ અતિથિ વિશેષ તરીકે નિવૃત આઈ.પી.એસ. અધિકારી અને ગુજરાત માનવ અધિકાર પંચના નિવૃત ચેરપર્સન ડો. જે. કે. ભટ્ટ તેમજ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ,
સુરેન્દ્રનગર શ્રી પી.એસ. ગઢવી તેમજ જાણીતા હાસ્યકલાકાર, લેખક , કવિ, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકમાં સામાન્ય નાગરિકને સરળ અને સુપાચ્ય ભાષામાં કાયદા અંગેની સમજણ આપતાં એકાવન જેટલાં મૂલ્યવાન લેખોનો સંચય છે જે પુસ્તક વિવેકગ્રામ – માંડવી તરફથી પ્રગટ થયું છે.