બે બે ધારાસભ્યની સૂચના છતાં રિપેરીંગ કામગીરીમાં વીજ તંત્રની ઢીલી નીતિ
વડિયામાં વીજ તંત્રના વહીવટથી લોકો ત્રસ્ત
વડિયા, સમગ્ર રાજયમાં બિપોરજાેય વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરતા પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીના સોશિયલ મીડિયામાં ફોટા, વીડીયો જાેઈ દાદ દેવાનું લોકોને મન થાય તો આ વિભાગના અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારના પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી બાબતે જાણે સમગ્ર વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
તંત્રની ઓફિસમાં ફોલ્ટ બાબતે ફોન કરવામાં આવે તો રીપેરીંગ ચાલુ છે વાયર ઢીલા થઈ ગયા છે, બીજા કર્મચારીઓ ફરજ પર આવે ત્યારે થશે, ઉપરથી લાઈટ ગઈ છે જેવા ઉડાઉ જવાબો રોજ લોકોને સાંભળવા મળે છે. બીજી બાજુ અધિકારીઓ તો ફોન જ ઉપાડવાનું ટાળે છે.
આ બાબતે જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોતાના મત વિસ્તારના લોકોની ફરિયાદોના આધારે સંકલન બેઠકમાં વડિયા પીજીવીસીએલના તંત્રની કામગીરી બાબતે અધિકારીનો ઉઘડો લીધાનો વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
તેના થોડા દિવસ બાદ વડિયા વિસ્તારના ખેડૂતો, લોકો અને રાજકીય આગેવાનોની ફરિયાદોને આધારે અમરેલીના ધારાસભ્ય દોડી આવ્યા, તેને પણ આ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને તાત્કાલિક પ્રશ્રનો પૂર્ણ કરવા ઉપલા અધિકારીઓને સૂચના આપી હતી બે બે ધારાસભ્યના સ્પષ્ટ સૂચના છતા હજુ કઈ નકકર કાર્યવાહી કરાઈ નથી.
રાજકીય આગેવાનોએ ખખડાવ્યા બાદ હવે ભર બપોરે લોકો તાપમાં સેકાતા હોય ત્યારે અને સાંજના સમયે જ તંત્રને રીપેરીંગ કરવાનો સમય મળે છે તેથી લોકો હવે વડિયા પીજીવીસીએલ તંત્રથી જાણે ત્રસ્ત બન્યા હોય તેવુ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે
ત્યારે હવે રાજકીય નેતાઓ આ બાબતે જાગૃતિ દાખવી લો વોલ્ટેજ, ફોલ્ટ રીપેરીંગ જેવી કામગીરી યોગ્ય સમયે કરાવે તેવી લોક માંગણી થઈ છે. જાે આવનારા સમયમાં યોગ્ય પગલાં નહી લેવાય અને તંત્રની કામગીરી નહી સુધરે તો હવે લોકો જ કચેરીનો ઘેરાવ કરવા મજબુર બનશે.