લક્ષચંડી યજ્ઞઃ શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉંઝા ભણી
નવનિર્મિત બંને બ્રીજ શ્રદ્ધાળુ માટે ખુલ્લા મૂકાયા ઃ ઉમિયા માતાના રથ સાથે ભકતોનું નવા બ્રીજ પરથી પ્રસ્થાન કરાયું
અમદાવાદ, આગામી તા.૧૮ ડિસેમ્બરથી ઉઁઝા ખાતે ઐતિહાસિક અને ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થનાર છે. જગતજનની માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે લાખો માંઇભકતો અને પાટીદારો પગપાળા, વિવિધ સંઘો મારફતે ઉંઝા તરફ ઉમટી રહ્યા છે, જેના કારણે ઉંઝા તરફના માર્ગો પર હજારો શ્રધ્ધાળુ ભકતોનો માનવમહેરામણ અને દર્શનાર્થીઓનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે.
શ્રધ્ધાળુઓના સતત અવિરત પ્રવાહને લઇ મહેસાણા-ઉંઝા હાઇવે પર આજે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા, લગભગ પાંચ કિલોમીટરની લાંબી લાઇનો લાગી હતી. તો, ઉઁઝા હાઇવે માં ઉમિયાની જય જયકારથી ગુંજી ઉઠયો હતો. બીજીબાજુ, આજે ઉંઝાને જાડતા બે નવનિર્મિત પુલ આજે હજારો માંઇભકતો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ નવા બ્રીજ પરથી માં ઉમિયાના રથના પ્રસ્થાન સાથે ભકતો ઉંઝામાં ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા. માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી કુલ ૫૦ લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો પધારવાના છે
ત્યારે માં ઉમિયાના ઇતિહાસ, ધાર્મિક કથા-પરચાઓ આવનારા ભકતોને જાણકારી મળી રહે તે હેતુથી નૃત્ય નાટિકા, ધાર્મિક કાયક્રમો સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ચાલી રહ્યું છે. તો, ૨૦ લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો માટે અત્યારથી જ મહેસાણા-ઉંઝા હાઇવે સહિતના નિયત સ્થળો ચાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ૭૦૦થી વધુ સ્વયંસેવકો ભકતો માટે ચાની સુવિધા પૂરી પાડશે. તો, આવનારા તમામ ભકતજનોને વિનામૂલ્યે ભોજન-પ્રસાદ પ્રાપ્ય બની રહે તે હેતુથી અન્નપૂર્ણા (ભોજન શાળા) પણ ધમધમતી કરી દેવામાં આવી છે. ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞને લઈને પગપાળા યાત્રા સંઘો પહોંચી રહ્યા છે. આથી ઉંઝા હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ચક્કાજામ જોવા મળ્યો હતો. જા કે, યાત્રાળુઓનો ઉત્સાહ તેઓ પગપાળા બુટ-ચપ્પલ વિના ચાલતા હોવાછતાં યથાવત જોવા મળી રહ્યો છે. પદયાત્રિઓ ગરબા ઘુમતા, માના ભજનો ગાતા ગાતા માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે.
ઊંઝાનો નેશનલ હાઈવે માં ઉમિયાના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉંઝામાં આગામી તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવનાને લઇ તેમના સ્વાગત, રહેવા-જમવા સહિતની તમામ તૈયારીઓ હાથ ધરાઇ છે. જેમાં ઐઠોર ચોકડીથી ઉમિયા માતાજીના મંદિર સુધી એક કિમીના કોરિડોરની રચના કરાઇ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીને પણ આમંત્રણ પાઠવી દેવામાં આવ્યુ છે.
જેથી ધક્કામુક્કી વગર અને સરળતાથી મા ઉમાના દર્શન થઇ શકે તેવુ પણ ખાસ આયોજન કરાયું છે. દર્શન કમિટી દ્વારા દર્શન વ્યવસ્થા માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે. નિજમંદિરમાં કોરીડોર ઉપરાંત પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા આઠની લાઈન કરાઈ છે. જેનાથી સરળતાથી દર્શન અને પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી માંના દર્શન થઇ શકે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને લઇ લાખો ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.