એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની ચેમ્બરમાં તોડફોડ કરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં શિક્ષણ અને સરસ્વતીના ધામ સમાન એલડી આર્ટ્સ કોલેજમાં તોડફોડની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓએ દાદાગીરી કરી પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ અને ખુરશીઑના ઘા કરતા પ્રિન્સિપાલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
LD આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓ તોફાન કરતા હોવાથી અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન હતા. અમુક વિદ્યાર્થીઑ અધ્યાપકો, વિદ્યાર્થીનીઓને હેરાન કરવા, છરી સાથે કલાસમાં જવું, મહીલા અધ્યાપકો ભણાવતા હોય ત્યારે ચાલુ કલાસે ક્લાસના દરવાજા બંધ કરી દેવા સહીતના અનેક પ્રવુતિઓ કરતાં હતા.
આ મામલે પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ તોફાની વિદ્યાર્થીઑને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા જ્યાં પ્રિન્સિપાલે શિખામણ આપતા વિદ્યાર્થીએ પિત્તો ગુમાવ્યો હતો.
જે વેળાએ ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં અભ્યાસ કરતાં અર્જુન રબારી નામના વિદ્યાર્થીએ કેબિનમાંથી પોર્ટનો છુટ્ટો ઘા કર્યો હતો. વધુમાં કેબિન બહાર નીકળી ખુરશીનો ઘા કરતા ખુરશી કાચ તોડી ઓફિસમાં પડી હતી. જેમાં પ્રિન્સીપાલ માંડ બચ્યા હતા.