મમરા અને ચોખાના ધંધા માટે ભાડે લીધેલા ગોડાઉનમાંથી 74 લાખનો દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક
હોળી પૂર્વે સાંતેજના ગોડાઉનમાંથી રૂ.૭૩.૬૭ લાખનો દારૂ ઝડપાયો-કુખ્યાત બુટલેગર્સ ગોડાઉન ભાડે રાખીને દારૂ સંતાડતા હતા: 7 આરોપીની ધરપકડ
(એજન્સી)અમદાવાદ,અમદાવાદમાં જ્યારે પણ તહેવારો આવે છે તેમાં દારૂની માંગ એકાએક વધી જતી હોય છે. બુટલેગર્સ વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને બીજા રાજ્યમાંથી દારૂનો જથ્થો અમદાવાદ લાવતા હોય છે. બાદમાં નાના બુલલેગર્સને આપતા હોય છે.
તહેવારોમાં દારૂ કે પછી નશો કર્યા બાદ હત્યા, મારામારી સહિતના ગુનાઓ બનતા હોય છે. તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે બુટલેગર્સ તેમજ દારૂડિયા અને નશેડીઓને ઝડપી લેવાતા હોય છે. હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
ત્યારે બુટલેગર તેમના ઈરાદા પાર પાડે નહીં તે માટે પોલીસ એક્ટિવ મોડ પર આવી ગઈ છે. મોડી રાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં લવાતો ૭૩.૬૭ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડયો છે. કુખ્યાત બુટલેગર્સ મૌલિક ઉર્ફે પપ્પુ જગદીશ પટેલે દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હતો અને નાના નાના બુટલેગર્સને આપવાનો હતો.
ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર હોય તે વાત એકદમ સત્ય છે જેના કારણે રોજબરોજ અમદાવાદ સહિત વિવિધ જગ્યાએથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. એક અંદાજ મુજબ પોલીસ જેટલો દારૂ ઝડપે છે તેના કરતાં ચાર ગણો દારૂ આસાનીથી દારૂડિયાઓ સુધી પહોંચી જાય છે.
કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીના કારણે બુટલેગર્સ બેફામ બન્યા છે અને બેરોકટોક દારૂનો ધંધો કરી રહ્યા છે. શહેરમાં જ્યારે જ્યારે તહેવાર આવતો હોય છે ત્યારે બુટલેગર્સ દારૂડિયાઓને રિઝવવા માટે દારૂનો સ્ટોક કરીને રાખતા હોય છે.
હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બામી રહ્યા છે. ત્યારે બુટલેગર્સે પોતાની સિક્રેટ જગ્યા પર દારૂનો સ્ટોક કરી દીધો છે. હોળીના તહેવારમાં દારૂની માંગ વધુ હોવાના કારણે બુટલેગર્સે અત્યારથી દારૂનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.
સ્ટે મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રકનપુર પાસેથી દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો છે. એસએમસીની ટીમને બાતમી મળી હતી કે શીલજ ખાતે રહેતા અલ્પેશ બારોટનું સાંતેજમાં ગોડાઉન આવેલું છે.
જેમાં કુખ્યાત બુટલેગર મૌલિક પટેલ દારૂનો જથ્થો ઉતારવાનો છે. બાતમીના આધારે એસએમસીની ટીમે માઈક્રો લેવલની રેડ કરવાનું પ્લાનિંગ કરી દીધું હતું. એસએમસીની ટીમે ગોડાઉનમાં રેડ કરી હતી. જેમાં પહેલાં તો મમરા અને ચોખા મળી આવ્યા હતા પરંતુ જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરી તો દારૂનો જથ્થો મળી આવ્યો હ તો. એસએમસીએ રેડ દરમિયાન ૭૩.૬૭ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
આ સાથે ૩૩.પ૦ લાખની કિંમતના પાંચ વાહનો તેમજ પાંચ મોબાઈલ, પ૪ હજાર રોકડા, જીપીએસ ડિવાઈસ જપ્ત કર્યા છે. એસએમસીએ રેડ દરમિયાન અલ્પેશ બારોટ (રહે.શીલજ) તેનો ભાઈ દિલીપ બારો, અર્જુન મીણા (રહે.પકવાન બ્રિજ પાસે, અમદાવાદ) અંકુર ગજ્જર (રહે.સાંતજ) રાજેશ ઉર્ફે રાજારામ યાદવ (રહે.નરોડા), જનક કડિયા (રહે.બોપલ) અને રણજીતસિંહ રાવત (રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી છે. એસએમસીએ સાત લોકોની ધરપકડ કરીને તેમની વિરૂદ્ધ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. એસએમસીએ કુલ ૧.૦૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, દારૂનો જથ્થો મંગાવનાર માસ્ટર માઈન્ડ મૌલિક ઉર્ફે પપ્પુ જગદીશ પટેલ છે જે અમદાવાદનો રહેવાસી છે. આ સાથે મૌલિક પટેલનો ભાગીદાર વિકાસ છે. રાજસ્થાનના નરેન્દ્ર પાટીદારે સાંતેજનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. ટ્રકમાં દારૂનો જથ્થો લાલસિંહ નામના યુવકે ભરીને આપ્યો હતો. સાંતેજ પોલીસે મૌલિક, વિકાસ નરેન્દ્ર તેમજ લાલસિંહ વિરૂદ્ધ પણ ગુનો નોંધીને તેમને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
બુટલેગર્સ વિવિધ મોડસ ઓપરેન્ડીથી દારૂનો ધંધો કરતા હોય છે ત્યારે આ કેસમાં પણ કાંઈક અલોગ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મૌલિક તેના ખાસ ગણાતા નરેન્દ્રના નામે ગોડાઉન ભાડે લીધું હતું.
ગોડાઉનના માલિક સાથે મમરા અને ચોખાના ધંધા માટે ભાડે રાખવા માટેનું નક્કી થયું હતું. માલિકે ગોડાઉન ભાડે આપી દીધું હતું. અને તેમાં ચોખા અને મમરાનો સ્ટોક પણ કરી દીધો હતો. દુનિયાની દૃષ્ટિએ અહીં ચોખા અને મમરા વેચાતા હતા પરંતુ હકીકત કાંઈક અલગ જ હતી. મૌલિક પટેલે આ ગોડાઉન દારૂનો સ્ટોક કરવા માટે ભાડે રાખ્યું હતું. ચોખા અને મમરાની આડમાં મૌલિક પટેલ નહીં દારૂનો જંગી જથ્થો છૂપાવતો હતો.
ગોડાઉનનો રાઝ માત્ર મૌલિકના વિશ્વાસુ લોકોને ખબર હતી પરંતુ અંતે તેનો ભાંડો ફૂટી ગયો છે. મૌલિકે તેના સાગરિતો મારફતે નાની નાની ગાડીઓમાં દારૂનો જથ્થો અમદાવાદમાં મોકલતો હતો. બુટલેગર્સના ઓર્ડર મુજબ દારૂ તે મોકલતો હતો. ઘણા સમયથી દારૂનો ધંધો બેરોકટોકથી ચાલી રહ્યો હતો જેના કારથી એસએમસીએ પર્દાફાશ કર્યો છે. અમદાવાદમાં મૌલિખ પટેલ હાલ લિકર કિંગ બની ગયો છે તેવું પોલીસનું માનવું છે.