આંગણવાડી પાસે દેશી દારૂ વેચાતો હોવાનો વિડીઓ વાયરલ
દેશી દારૂના અડ્ડાઓ ઉપર દારૂનું ધૂમ વેંચાણ છતાં પોલીસ માત્ર નજીવો દારૂ બતાવી સંતોષ માને છે
આમોદ નગર સહિત પંથકમાં દેશી દારૂનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે.આમોદ નગરમાં અનેક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે.તેમજ કેટલીક જગ્યાએ દેશી દારૂ બાઈક ઉપર બહારથી મંગાવી વેંચાણ કરવામાં આવે છે.તેમજ સવારના સમયે તેમજ સાંજના સમયે દેશી દારૂના અડ્ડાઓ ઉપર દેશી દારૂ ઢીંચનારાની મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય છે.
છતાં આમોદ પોલીસ માત્ર પોલીસ ચોપડે નજીવો દારૂ બતાવી ઉપરી અધિકારીને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે.આમોદ પોલીસ માત્ર એક કે બે લીટર દારૂ પકડીને ઉપરી અધિકારી પાસે શુ બતાવવા માંગે છે? તે લોકોને સમજાતું નથી.
જ્યાં ત્યાં દેશી દારૂની પોટલીઓ જાેવા મળતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત હોવા છતાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે.આમોદ પોલીસની રહેમ નજર હેઠળ દેશી અને વિદેશી દારૂ બેરોકટોક વેચાઈ રહ્યો છે.જાગૃત નાગરિકો દ્વારા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આમોદમાં નાના તળાવ પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર ૧ ઉપર દેશી દારૂનું વેંચાણ થતું હોવાનો વિડીઓ વાયરલ થતા નગરમાં ચકચાર મચી જવા પામી છે.આ ઉપરાંત દેશી દારૂ ઢીચીને દારૂડિયા દ્વારા બેફામ ગાળો પણ બોલતા હોય જેથી લોકો પોતાના બાળકોને આંગણવાડી ઉપર મોકલતા નથી.
આમોદ નગરમાં આવેલા ભીમપુરા નવીનગરી પાસે દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય કાયમ માટે દારૂડિયા તત્વોનો ત્રાસ લોકોએ સહન કરવો પડે છે.આ ઉપરાંત વણકરવાસ પાસે નાળા ઉપર બેસી દારૂડિયાઓ બેફામ ગાળો બોલતા હોય રસ્તામાં આવતા જતા મહિલાઓ માટે પણ દારૂડિયાઓ ત્રાસરૂપ બની ગયા છે.
આમોદના ચિરાગ મોદીની વાડીમાં પણ દારૂડિયા તેમજ દારૂના અડ્ડાઓ ચલાવતા ત્રાહિત વ્યક્તિઓ દ્વારા દેશી દારૂની દુર્ગંધ મારતી પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલો પણ ફેંકવામાં આવી રહી છે.જે બાબતે ચિરાગ મોદીએ આમોદ પોલીસ મથકે ફરિયાદ આપી છતાં દારૂના અડ્ડાઓ ચલાવતા માથાભારે તત્વો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
આમોદના નાના તળાવ પાસે વણકરવાસ જવાના રસ્તા ઉપર દેશી તેમજ વિદેશી દારૂનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે.જેથી કાયમ માટે દેશી દારૂ ઢીંચનારા ત્યાં અડિંગો જમાવીને બેસી રહે છે.તેમજ દારૂની હાલતમાં બેફામ ગાળો બોલતા હોય રસ્તા ઉપર આવતા જતા બહેનો માટે દારૂડિયા તત્વોનો ભારે ત્રાસ રહે છે.
દારૂડિયા દારૂ પી ને પોટલીઓ પણ જાહેર રસ્તા ઉપર તેમજ આમોદ પાલિકા દ્વારા કચરો મુકવામાં આવેલી કચરાપેટીમાં પોટલીઓ નાંખવામાં આવે છે.આ ઉપરાંત જાહેર રસ્તા ઉપર રહેલી દેશી દારૂની ખાલી પોટલીઓ સાફ કરવા માટે સફાઈ કામદારોમાં પણ કચવાટ જાેવા મળી રહ્યો છે.