બલૂચિસ્તાન છોડો નહીંતર મોતને વ્હાલું કરવાની તૈયારી કરો

બલૂચિસ્તાન, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટેનને હાઈજેક કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
આ હુમલાને અંજામ આપનાર બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી સામે પાકિસ્તાની સૈન્ય જાણે લાચાર દેખાઈ રહ્યું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી આપી દેવામાં આવી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી નું કહેવું છે કે ચીન અને પાકિસ્તાનના લોકો તેમના જીવ બચાવવા માગતા હોય તો બલૂચિસ્તાન છોડીને જતા રહે.
જાફર એક્સપ્રેસમાં ૫૦૦થી વધુ મુસાફરો સવાર છે જેમાં સૈન્ય અધિકારીઓની સંખ્યા વધારે છે. ૧૮ કલાક વીતી જવા છતાં હજુ સુધી તમામ બંધકોને મુક્ત કરાવવામાં સફળતા મળી નથી. બીજી બાજુ એવા અહેવાલ આવ્યા હતા કે પાકિસ્તાની સૈન્યએ ૧૦૪ બંધકોને મુક્ત કરાવી લીધા છે. આ ઓપરેશન દરમિયાન ૧૬ આતંકીઓને ઠાર મરાયાનો દાવો પણ કરાયો હતો. જ્યારે બલૂચિસ્તાન લિબરેશન આર્મી તરફથી પણ એવો દાવો કરાયો છે કે અમે પાકિસ્તાની સૈન્યના ૩૦ જવાનોને ઠાર કરી દીધા હતા. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે.
૧૯૪૮થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે.
ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે.
બલૂચિસ્તાન લિબરેશન આર્મી ની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી તેનો વિરોધ કરે છે.SS1MS