બ્લડ યુનિટ જમા કરાવો તો જ રજા મળશે: એલ. જી. હોસ્પિટલના તબીબોની દાદાગીરી
નિયમ મુજબ દર્દીના સ્વજનોએ બ્લડ યુનિટ આપવા ફરજીયાત નથી.
( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એલ.જી. હોસ્પિટલ નો વહીવટ ખાડે ગયો છે આ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી, ખોટા ઓપરેશન તેમજ ડોક્ટરોના ઉદ્ધત વર્તનની ફરિયાદો અવારનવાર બહાર આવતી રહે છે. હવે, હોસ્પિટલમાં દર્દીના સ્વજન દ્વારા બ્લડ જમા ના કરાવતા દર્દીને રજા આપવામાં ના આવી હોવાનો ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે નિયમ મુજબ દર્દી કે તેના સ્વજનનો પાસેથી લોહી લેવામાં આવતું નથી.
રાજ્ય સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને લોહીની જરૂર પડે તો હોસ્પિટલ ની બ્લડ બેન્કમાંથી તેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જો બ્લડ બેન્ક પાસે દર્દીના બ્લડ ગ્રુપની ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં હોસ્પિટલ ઘ્વારા અન્ય કોઈ બ્લડ બેન્ક સાથે લોહીની બોટલ એકસચેન્જ કરવામાં આવે છે. પરંતુ દર્દીના સ્વજનો પાસેથી કોઈપણ સંજોગો બ્લડ માટે નિયમ મુજબ માંગણી કરવામાં આવતી નથી.
જે દર્દીને બ્લડ આપવામાં આવ્યું હોય તેને ડિસ્ચાર્જ કરતા સમયે તેની સારવાર કરનાર મેડિકલ યુનિટ અને આર.એમ.ઓ. દ્વારા નિયત ફોર્મ પર સહી કરી આપવામાં આવે છે જેની નકલ બ્લડ બેન્ક માં પણ જમા કરાવવાની રહે છે.
પરંતુ એલ.જી.હોસ્પિટલમાં ચંદ્રશેખર જયસવાલ નામના એક દર્દીને રજા આપવાના સમયે મેડિકલ યુનિટ તેમજ આર.એમ.ઓ. ઘ્વારા બ્લડ યુનિટ જમા કરાવવાનો આગ્રહ રાખી ફોર્મ પર સહી કરી આપવામાં ન આવતા તેને સાજા થયા બાદ પણ બે દિવસ હોસ્પિટલ માં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ એક સામાજિક કાર્યકરે નિયમો દર્શાવી રજુઆત કરતા આર.એમ.ઓ. દ્વારા સહી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના અંગે સામાજિક કાર્યકર ગૌરાંગ મિશ્રા ના જણાવ્યા મુજબ એલ.જી.હોસ્પિટલમાં દાખલ દર્દીને બે બોટલ બ્લડ આપવામાં આવ્યું હતું. જેની સામે દર્દીના સ્વજનોએ એક બોટલ જમા કરાવી હતી જયારે બીજી બોટલની સગવડ થઈ ન હતી.તેથી પેશન્ટ સજા થઈ ગયા હોવા છતાં મેડિકલ યુનિટ ઘ્વારા તેમના ડિસ્ચાર્જ પેપર પર સહી કરવામાં આવી ન હતી.
મેડિકલ યુનિટ ઘ્વારા બ્લડ બોટલ જમા કરાવ્યા બાદ જ ડિસ્ચાર્જ પેપર સહી કરી આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. જેના કારણે દર્દીને 3 ઓગસ્ટ ના બદલે 5 ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.જો કે, આ અંગે બ્લડ બેન્ક તરફથી કોઈ માંગણી કરવામાં આવી નહતી.
કોઈપણ સરકારી હોસ્પિટલમાં દર્દીના સ્વજનો પાસેથી બ્લડ લેવામાં આવતું નથી. તેમણે કરેલી આર.ટી.આઈ.માં સિવિલ, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા આ મુજબનો સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. તેઓ બ્લડ એકત્રિત કરવા માટે રક્તદાન કેમ્પના આયોજન કરે છે તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓ પણ મદદ કરતા હોય છે. સિવિલ હોસ્પિટલ ની બ્લડબેન્ક દ્વારા 2022-23માં કુલ 17041 બોટલ દર્દીઓને આપવામાં આવી હતી.
જે પૈકી માત્ર 6249 દર્દીઓના સ્વજનોએ કરેલા સ્વૈચ્છિક રકતદાનથી મળી હતી. તેવી જ રીતે એલ.જી હોસ્પિટલમાં જ આ સમયગાળા દરમ્યાન 15730 બ્લડ યુનિટ દર્દીઓને આપવામાં આવ્યા હતા જે પૈકી દર્દીના સ્વજનો તરફથી માત્ર 2897 યુનિટ જ મળ્યા હતા. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.