રાજ્યોને ખાણો-ખનીજો પર ટેક્સ લાદવાનો કાનૂની હક: સુપ્રીમ
નવી દિલ્હી, કેન્દ્ર સરકારને ફટકો પડે તેવા એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી એ કોઇ ટેક્સ નથી અને રાજ્યોને ખાણો અને ખનિજો ધરાવતી જમીનો પર ટેક્સ લાદવાનો કાયદાકીય હક છે. આ ચુકાદાથી ઝારખંડ અને ઓડિશા જેવા ખનિજથી સમૃદ્ધ રાજ્યોને મોટો લાભ થશે.
આ રાજ્યોએ ખાણો અને ખનિજો પર કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતા હજારો કરોડ રૂપિયાના ટેક્સ અંગે નિર્ણય કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
રાજ્યોએ સુપ્રીમ કોર્ટને પશ્ચાદવર્તી અસરથી ચુકાદો અમલી બનાવવાની માગણી કરી હતી, જેથી તે કેન્દ્ર સરકાર પાસેથી આ ટેક્સનું રિફંડ મેળવી શકે. જોકે કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ રજૂઆતનો ઉગ્ર વિરોધ કર્યાે હતો અને ચુકાદો સંભવિત રીતે અમલી બનાવવાની માંગ કરી હતી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ૯ જજોની બેંચે કેન્દ્ર અને રાજ્યોને આ મુદ્દા પર લેખિત રજૂઆતો કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે ૩૧ જુલાઈના રોજ આ મુદ્દે નિર્ણય લેશે. ૮ઃ૧ના બહુમતી ચુકાદા સાથે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી ટેક્સ નથી.
સંસદને બંધારણની યાદી-૨ની એન્ટ્રી ૫૦ હેઠળ ખનિજ અધિકારો પર ટેક્સ લગાવવાની સત્તા નથી. સર્વાેચ્ચ અદાલતે રોયલ્ટીને એક ટેક્સ ગણાતા ૧૯૮૯ના તેના અગાઉના ચુકાદાને રદ કર્યાે હતો. કોર્ટે જણાવ્યું હતું કે એન્ટ્રી ૪૯ હેઠળ રાજ્યોને જમીનો અને ઇમારતો પર કર વસૂલવાની સત્તા છે, જ્યારે એન્ટ્રી ૫૦ રાજ્યોને ખનિજ અધિકારો પર કર લાદવાની મંજૂરી આપે છે.SS1MS