દહેગામમાં દીપડો ખેતરમાં ઘુસ્યોઃ 2 લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા
દહેગામ તાલુકાના કડજોદરા ગામના એક ખેતરમાં દીપડા ઘૂસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાએ ખેતરમાં કામ કરતાં છ લોકો ઉપર હુમલો કર્યો હતો. હાલમાં વન વિભાગની ટીમોએ વિસ્તારને કોર્ડન કરી પાંજરું મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે.
બે-ત્રણ દિવસથી દીપડો દહેગામ તાલુકામાં નજરે પડતાં ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામના છ પૈકી ત્રણ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે. ગામની સીમના આમબલિયા તળાવ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જ્યાં અચાનક જ ગામની સીમમાં છ લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.
વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યૂ કર્યું આ અંગે તલોદ રેન્જના વનકર્મી કે.આર.ઝાલાએ જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે દીપડો દેખાતાં વન વિભાગની ટીમ પહોંચે એ પહેલાં દીપડાને પકડવા પ્રયાસ કરી રહેલા ટોળા પર દીપડાએ હુમલો કર્યો હતો અને ત્રણેક વ્યક્તિને ઇજા પણ થઈ હતી. સવારે ગામના લોકો સાથે વન વિભાગની ટીમે દીપડાને રેસ્ક્યૂ કરવા દરમિયાન તેમને પણ ઇજા થઈ હતી.
દીપડાનું જોર ઓછું થતાં તેની પર જાળી નાખીને પાંજરામાં પૂરી સારવાર માટે હિંમતનગરની કામધેનુ યુનિવર્સીટીના પશુ દવાખાનામાં લઇ જવાયો હતો. ડીસીએફ શ્રેયસ પટેલે જણાવ્યું હતું કે વન વિભાગની ટીમે દીપડાનું ઇજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યૂ કર્યું હતું, જેની અંદાજિત ઉંમર 5થી 6 વર્ષની હોય એવું જણાયું હતું.
સવારે દીપડાએ નાથુસિંહ હિંમતસિંહ ઝાલા તેમજ વિશાલ ઠાકોર નામના યુવકને ઇજાગ્રસ્ત કર્યા હતા. તો ત્યારબાદ ગામના જ બીજા ચાર લોકો કાળુસિંહ રતનસિંહ ઝાલા, વિક્રમસિંહ કાંતિસિંહ ઝાલા, રજ્જુસિંહ અદેસિંહ ઝાલા તેમજ અન્ય એક વ્યક્તિને દીપડાએ હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હતા.
જે પૈકી વિક્રમસિંહ અને રજ્જુસિંહને ગંભીર ઇજાઓને પગલે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કાળુસિંહ રતનસિંહ ઝાલાને અતિ ગંભીર ઇજાઓ પહોંચતાં અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
તલોદમાં સ્થાનિકોએ દીપડાને અધમૂઓ કરી દીધો ગુરુવારે હિંમતનગરના તલોદના નવાનગર મોઢુકાની સીમમાં વહેલી સવારે દીપડો દેખાતાં ગણતરીના સમયમાં લાકડીઓ, ધારિયાં સહિતનાં હથિયારો લઈ લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં અને દીપડાનો ઘેરાવ કરી ઇજાઓ કરી અધમૂઓ કરી દીધા બાદ તેની પર જાળી નાખી પકડી લીધો હતો. દીપડાને ઇજાગ્રસ્ત કરવા મામલે વાઇરલ થયેલા વીડિયોમાં દેખાતા શખસોની ઓળખ કરી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવા વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.