Western Times News

Gujarati News

બોધકથાઃ અહંકારથી નુકશાન થાય છે

એક ચિત્રકારે પોતાના શિષ્યને ચિત્ર બનાવવાની કળા શિખવાડી તે સમયે ગુરૂ ૫ણ ચિત્રો બનાવતા હતા.ગુરૂ શિષ્ય બંન્નેના બનાવેલા ચિત્રો બજારમાં વેચતા હતા.તેમાં શિષ્યના બનાવેલા ચિત્રના ત્રણ રૂપિયા ઉ૫જતા હતા અને ગુરૂના બનાવેલ ચિત્રના ફક્ત બે રૂપિયા ઉ૫જતા હતા.

ગુરૂજી જ્યારે પોતાના શિષ્યને તેના ચિત્રમાં વધુ સુધારા કરવા માટે મંતવ્ય આ૫તા હતા ત્યારે એક-બે વાર શિષ્યએ વાત માની લીધી પરંતુ અહંકારના કારણે એકવાર ગુરૂજી ચિત્રમાં સુધારા કરવા માટે શિખામણ આપી રહ્યા હતા ત્યારે શિષ્યએ કહી દીધું કે ગુરૂજી ! આપ મને શું શિખામણ આપો છો !

તમારૂં બનાવેલ ચિત્ર બજારમાં ફક્ત બે રૂપિયામાં વેચાય છે જ્યારે મારૂં બનાવેલ ચિત્ર ત્રણ રૂપિયામાં વેચાય છે..! આ સાંભળી ગુરૂજીએ સમજાવ્યું કે બેટા ! મેં ૫ણ ભૂતકાળમાં આવી તારા જેવી જ ભૂલ કરી હતી અને જેના ૫રીણામ સ્વરૂ૫ મારૂં ચિત્ર આજદિન સુધી બે રૂપિયામાં જ વેચાય છે.

તે સમયે મારૂ બનાવેલ ચિત્ર બે રૂપિયામાં વેચાતું હતું અને મારા ગુરૂજીનું બનાવેલ ચિત્ર એક રૂપિયામાં વેચાતું હતું.મારા ગુરૂજી મને સમજાવતા હતા ત્યારે મેં ૫ણ તે આપ્યો તેવો જ જવાબ આપ્યોં હતો અને તેના ૫રીણામ સ્વરૂ૫ હું આગળ વધી શક્યો નથી અને તેથી જ હું નથી ઇચ્છતો કે તારૂં ચિત્ર ૫ણ ફક્ત ત્રણ રૂપિયામાં વેચાય, તેથી હું તને સુધારાત્મક મંતવ્ય આપી રહ્યો છું. આમ ગુરૂદેવ હંમેશાં આ૫ણી ભલાઇના માટે જ વિચારતા હોય છે અને આ૫ણે પોતાના અહંકારના કારણે આપણી પોતાની હાની જ કરી બેસીએ છીએ.

આજનું વેસ્ટર્ન ટાઈમ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો

હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી, જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.

જેનામાં અભિમાન છે અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.

અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ ત્યારે જાે અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જાેઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે કારણ કે અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.અમારા હ્રદયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જાેઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જાેઇએ.

શરીર ઇન્દ્દિયો વગેરે જડ ૫દાર્થોને પોતાનું સ્વરૂ૫ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે.ભક્તની પોતાના શરીર વગેરે પ્રત્યે સહેજ૫ણ અહમ્‌ બુદ્ધિ ના હોવાથી તથા પ્રભુ સાથે પોતાનો નિત્ય સબંધનો અનુભવ થઇ જવાથી તેના અંતઃકરણમાં આપોઆ૫ શ્રેષ્ઠ-દિવ્ય અને અલૌકીક ગુણો પ્રગટ થવા લાગે છે.

આ ગુણોને ૫ણ તે પોતાના ગુણો માનતો નથી પરંતુ તે દૈવી સં૫ત્તિ હોવાથી પ્રભુના જ માને છે.સત્‌ (૫રમાત્મા)ના હોવાથી જ આ ગુણ સદગુણ કહેવાય છે.આવી દશામાં ભક્ત તેમને પોતાના માની જ કેવી રીતે શકે? એટલા માટે તે અહંકારથી સર્વથા રહીત હોય છે.

દેહને આત્મા માનવો એ અહંકાર છે.અહંકારી વ્યક્તિ પૈસા અને શક્તિને વધુ મહત્વ આપે છે, તેઓ બીજાની ઇર્ષા કરતા હોય છે, તેમને કોઇના પ્રત્યે સહાનુભૂતિ હોતી નથી તેમજ કોઇને મદદરૂ૫ થતા નથી, કોઇ તેમની ટીકા કરે તો તે સહન કરી શકતા નથી, તેઓ દર્શન નહી પણ પ્રદર્શનમાં માનતા હોય છે.

સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.
અંતઃકરણ ચતુષ્ટ્ય શુદ્ધ થાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.એક જ અંતઃકરણ ચાર કામ કરે છે.તેથી તેના ચાર ભેદ માન્યા છે.અંતઃકરણ જયારે સંકલ્પ-વિકલ્પ કરે છે ત્યારે તેને મન કહે છે.જયારે તે કોઈ વિષયનો ર્નિણય કરે છે ત્યારે તેને બુદ્ધિ કહે છે.

જયારે તે સત્ય પરમાત્માનું ચિંતન કરે છે ત્યારે તેને ચિત્ત કહે છે અને જયારે તેનામાં ક્રિયાનું અભિમાન જાગે છે ત્યારે તેને અહંકાર કહે છે.મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર..આ ચારેને શુદ્ધ કરીએ તો પરમાત્માનાં દર્શન થાય છે.આ ચારેની શુદ્ધિ બ્રહ્મજ્ઞાન વિના થતી નથી.

મન સંકલ્પ-વિકલ્પ કરે છે.એક સંકલ્પની સમાપ્તિ અને બીજાનો આરંભ તે બંન્નેની વચ્ચે ભગવાનને રાખીએ તો અહંકાર મરે છે.સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહભાવ જાય છે અને દેહભાવ જાય તો અહંકાર રહેતો નથી.ભગવાનની આઠમી પ્રકૃતિ અહંકાર એટલે પોતાના અસ્તિત્વનું સતત ભાન રહેવું.અહીં અહંકાર શબ્દ ‘ઘમંડ’ અર્થમાં નથી.પ્રત્યેક વ્યક્તિને પોતાના હોવાપણાનું જ્ઞાનભાન રહેતું હોય છે તે અહંકાર છે.આ આઠ પ્રકારની પ્રકૃતિઓમાંથી પૂરાં બ્રહ્માંડોની ઉત્પત્તિ થતી હોવાથી તેને પ્રકૃતિ કહી છે.

જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી..જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.સંતુષ્ટિ અને તૃપ્તિેનો એકમાત્ર રસ્તો પ્રભુનું જ્ઞાન છે.
-સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.