CMOમાંથી શહેરી વિકાસ વિભાગને લખાયેલો પત્ર અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં પહોંચી ગયો
ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે ડીસામાં પાણી પુરવઠા માટે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સરકારી તંત્રની કામગીરી સામે અવારનવાર અનેક સવાલ પેદા થતાં હોય છે સરકારી અધિકારીઓ નાગરિકોની ફરિયાદનો સમયસર જવાબ આપતા નથી તેમજ ફરિયાદોનો નિકાલ પણ કરતા નથી તે બાબત લગભગ સામાન્ય બની ગઈ છે. Letter from CMO to Urban Development Department reached in Ahmedabad Mun. Corp.
તદ્ઉપરાંત ચુંટાયેલી પાંખ કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લખવામાં આવતા પત્રનો પણ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી. આઈએસ ઓફિસર ડો. ધવલ પટેલે છોટાઉદેપુર વિસ્તારમાં શિક્ષણ મામલે આપેલા રિપોર્ટ બાદ તંત્ર સામે થતાં આક્ષેપો સાચા હોય તેમ લાગે છે
સરકારી તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં મુખ્યમંત્રી કાર્યાલયથી ડીસા નગરપાલીકા પ્રમુખને લખવામાં આવેલો પત્ર અમદાવાદ પહોંચી ગયો છે અને અમદાવાદના અધિકારીઓ પણ આ પત્રમાં કોઈ લેવા દેવા ન હોવા છતાં પણ આંતરિક કોમ્યુનીકેશન કરી રહયા છે.
ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે ડીસામાં પાણી પુરવઠા માટે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો જેના જવાબમાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તા.ર૪ જુને શહેરી વિકાસ ખાતાને આ પત્ર ફોરવર્ડ કરવામાં આવ્યો હતો તથા તેની નકલ ડીસા નગરપાલિકાના પ્રમુખને મોકલી આપી હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મોકલવામાં આવેલ પત્ર ક્રમાંક ૨૦૨૨/૩૦૯૬ તા.ર૪/૬/ર૦ર૩ પત્ર ડીસાના બદલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પહોંચી ગયો છે. સદ્ર પત્ર એડીશનલ સીટી ઈજનેર પૂર્વ ઝોનને તબદીલ કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોન ઈજનેર વિભાગે તા.૩૦ જુને આ પત્ર ઈન્વડ નંબર મેળવ્યો હતો
ત્યારબાદ આ પત્ર એડીશનલ સીટી ઈજનેર ડ્રેનેજ પ્રોજેકટ વિભાગને તબદીલ કર્યો હતો સાથે સાથે રિમાંક પણ કરી હતી કે ‘ડીસા નગરપાલિકામાં પાણી સપ્લાય કરવાની બાબત પૂર્વ ઝોન ઈજનેર વિભાગને લાગતી જણાતી નથી’ ડ્રેનેજ પ્રોજેકટ ઈજનેર વિભાગે ૬ જુલાઈએ આ પત્ર વોટર પ્રોજેકટ વિભાગને મોકલ્યો છે
સાથે સાથે ખાસ નોંધ પણ કરી છે કે ‘મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ડીસા નગરપાલિકાને પાણી સપ્લાય કરવા માટે પત્ર આવ્યો હોવાથી આ કામ તાકિદે ધ્યાનમાં લેવામાં આવે.’ આમ ડીસા નગરપાલિકાના પ્રમુખે પાણી પુરવઠા માટે લખેલો પત્ર વાયા સીએમ ઓફિસ અમદાવાદ મ્યુનિ. કોર્પોેરશનમાં પહોંચી ગયો છે
અને અમદાવાદના નાગરિકોને સમયસર બે કલાક પુરતુ પાણી સપ્લાય ન કરતા અધિકારીઓ ડીસામાં પાણી સપ્લાય કરવા માટે આંતરિક પત્ર વ્યવહાર પણ કરી રહયા છે. જયારે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સદ્ર પત્ર શહેરી વિકાસ વિભાગના બદલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ખાતે કેવી રીતે પહોંચી ગયો તે પણ તપાસનો વિષય બને છે.