Western Times News

Gujarati News

ગાંધીનગરમાં તા.૧ થી ૧૯ દરમિયાન રકતપિત્ત દર્દી શોધ અભિયાન યોજાશે

ગાંધીનગર, રક્તપિત્ત રોગના બેકટેરીયાથી ફેલાતો અત્યંત ધીમો ચેપી રોગ છે. ચેપ લાગ્યાના ૬ માસથી લઈ પ વર્ષમાં અને ક્યારેક ૩૦ થી ૪૦ વર્ષ સુધીમાં રોગના લક્ષણો શરૂ થઈ શકે છે. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આગામી તા.૧લી જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી, ર૦ર૪ દરમિયાન રકતપિત્ત દર્દીઓને (લેપ્રસી કેસ) શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવશે તેના આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની કો-ઓર્ડિનેશન કમિટિની બેઠક યોજાઈ હતી.

હાલમાં આ રોગનું પ્રમાણ અત્યંત ઓછું થયુ છે. ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી રક્તપિત્તના દર્દીઓ ખુબ ઓછા હોઈ જિલ્લો રક્તપિત્ત નાબુદીના તબક્કામાં છે. તેમ છતાં જિલ્લામાં દર વર્ષે ૧પ થી રપ જેટલા નવા કેસ જોવા મળી રહ્યા છે.

જેમાં ૩૦ થી ૪૦ ટકા જેટલા કેસો અન્ય રાજયોમાંથી આવતા વ્યક્તિઓમાંથી મળી આવે છે. આ રોગમાં શરૂઆતમાં કોઈ તકલીફ થતી ના હોવાથી લોકો સમયસર નિદાન માટે આવતા નથી. જેથી છુટા છવાયા કેસો દર વર્ષે સામે આવે છે. આથી આવા મહત્તમ છુપા કેસ શોધી સારવાર અપાય તો આ રોગને ફેલાતો સદંતર અટકાવી શકાય.

તકેદારીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં તા.૧ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવનાર લેપ્રસી કેસ શોધ અભિયાનમાં તાલીમબદ્ધ આશા બહેનો અને અન્ય આરોગ્ય કર્મીઓની ૧૧૪૭ ટીમ દ્વારા ૩.૪૭ લાખ ઘરોની મુલાકાત કરવામાં આવશે. અભિયાનમાં ઘેર ઘેર ફરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધવામાં આવશે. તેમાં ફેકટરી વસાહતો ઈંટવાડા વિગેરેને પણ આવરી લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.