ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટ્રસ્ટીશ્રીઓએ યજ્ઞમાં આહૂતિ આપી
સોમનાથઃ શ્રી ખોડલધામ દ્વારા સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ પાસે શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના લોકાર્પણ પૂર્વે
એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 સપ્ટેમ્બરના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ યજ્ઞમાં ટ્રસ્ટીશ્રીઓએ પરિવાર સાથે હાજર રહીને યજ્ઞમાં આહૂતિ આપી હતી.
જૂનાગઢ-સોમનાથ હાઈવે પર નિર્માણ પામેલા શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- સોમનાથનું હવે ટૂંક સમયમાં લોકાર્પણ થનાર છે. ત્યારે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે યજ્ઞ કરવાથી સમગ્ર જીવોનું કલ્યાણ થતું હોય અને યજ્ઞ કરવાથી જગ્યા પવિત્ર થતી હોય, આવા શુભ આશયથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 9 સપ્ટેમ્બર ને શનિવાર ને ભાદરવી પૂનમના શુભ દિવસે શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે આ યજ્ઞ યોજાયો હતો. સવારે 8-30 વાગ્યે યજ્ઞની શરૂઆત થઈ હતી. જેમાં કુલ 12 હવન કુંડમાં ટ્રસ્ટીશ્રીઓએ પરિવાર સાથે યજ્ઞમાં આહૂતિ આપી હતી. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના ભૂતપૂર્વ પૂજારી ધનંજયભાઈ દવે સાથે 15 ભૂદેવોએ વિધિ વિધાન પ્રમાણે શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર કરીને યજ્ઞ કરાવ્યો હતો.
આ યજ્ઞમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.