LIC હાઉસીંગ અન્ય કંપનીમાં મર્જ કરવાનો કરાયેલો ઈન્કાર
નવી દિલ્હી, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય કંપની સાથે તેની ગૌણ કંપની એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સને મર્જ કરી દેવાની કોઈપણ દરખાસ્ત નથી. નિવેદન એવા સમય બાદ આવ્યું છે જ્યારે હાલમાં એવા અહેવાલ આવી રહ્યા હતા કે વીમા કંપની એલઆઈસી બેન્કીંગ કંપની આઈડીબીઆઈ બેન્ક સાથે એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડને મર્જ કરી શકે છે.
એલઆઈસીએ આજે નિવેદન કરતા કહ્યું હતું કે કોઈપણ અન્ય કંપનીમાં એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડને મર્જ કરવામાં આવશે નહીં. બજારમાં આ પ્રકારની તમામ અફવાઓમાં કોઈ વાસ્તવિકતા નથી. આડીબીઆઈ બેન્ક દ્વારા પણ એક અલગ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેની બોર્ડ મિટીંગમાં આ પ્રકારની કોઈ દરખાસ્ત ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. અહેવાલ તરતા થયા બાદ આજે એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડના શેરમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. કારોબારના અંતે તેના શેરમાં ૭.૭૧ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો. આડીબીઆઈના શેરમાં પણ ૨.૫૪ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.
આઈડીબીઆઈ બેન્કમાં એલઆઈસી ૫૧ ટકા હિસ્સો ધરાવે છે. બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેડ લોનના મોટા હિસ્સા એનપીએ તરીકે છે. એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સના અન્ય કંપનીમાં મર્જરને લઈને છેલ્લા કેટલાક દિવસથી અહેવાલ આવી રહ્યા હતા. જેના પગલે બજારમાં ખળભળાટની સ્થિતિ જોવા મળી રહી હતી. એલઆઈસી એચએફએલના શેરમાં ઘટાડો થવા માટે પણ જુદા જુદા કારણો જવાબદાર રહ્યા હતા.