લાયસન્સ- આરસી બુક ન હોય તો પોલીસ કાર્યવાહી કરી શકે ખરી ?
અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા રોજ મોટી સંખ્યામાં વાહનો ડીટેઈન કરવામાં આવે છે. વાહન ચાલકો પાસે આરસીબુક, લાયસન્સ કે અન્ય જરૂરી દસ્તાવેજો ન હોય તેવા સંજોગોમાં પોલીસ વિભાગ વાહન ડીટેઈન કરે છે. પરંતુ શું ખરેખર આવા કારણોસર વાહન ડીટેઈન થઈ શકે કે કેમ તેનો જવાબ સેન્ટ્રલ મોડલ વ્હીકલ એક્ટના નિયમ ૧૩૯માં આપવામાં આવ્યો છે.
કાયદાના નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ ટ્રાફિક પોલીસ વાહન અંગેના ડોક્યુમેન્ટ માગે અને ચાલક સ્થળ પર ન બતાવે તો તે ગુનો બનતો નહીં હોવાનું સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સના નિયમ ૧૩૯માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જ્યારે ચાલક પાસે સ્થળ પર વાહનના ડોક્યુમેન્ટ ન હોય તો તે રજૂ કરવામાં માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે. બાદમાં ચાલક ૧૫ દિવસની અંદર તેના વાહનના ડોક્યુમેન્ટ પોલીસ કે આરટીઓ તંત્રને બતાવી શકે છે.
ટ્રાફિક પોલીસ હાલ જે રીતે મેમો ફાડે છે તો તેનો અર્થ એ નથી કે ચાલકે તુરંત જ દંડ ભરવો પડે.મેમો ફાડી દંડ વસૂલવા માટે કોર્ટનો કોઇ આદેશ નથી. તેમ છતાં જો ટ્રાફિક પોલીસ દ્વારા આ મુદ્દે મેમો આપવામાં આવે તો ચાલક ટ્રાફિક પોલીસ વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી શકે છે.
એટલું જ નહીં ટ્રાફિક પોલીસ જ્યારે આ મુદ્દે મેમો ફાડે તો તેને એક સાક્ષીને સાથે રાખવો પડે છે. જેની મેમોમાં સહી કરવી પડે છે. સમરી ટ્રાયલ સમયે ટ્રાફિક પોલીસ સાક્ષીને કોર્ટમાં રજૂ ન કરે તો તેનો ફાયદો પણ વાહનચાલકને મળે છે.
કાયદાથી સુનિશ્ચિત થયેલ અધિકારો અંતર્ગત કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલી હોય તો એ કાર્યવાહીની સત્યતા અને તથ્યતા નક્કી કરવાની સત્તા હંમેશાં કોર્ટ પાસે જ હોય છે. અદાલતનું હકીકતલક્ષી બાબતો અંગે ધ્યાન દોરી અને કાયદાકીય રીતે ન્યાય મેળવી જ શકાય છે. જો પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા તો આરટીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ક્ષતિ હોય, ગેરવાજબી હોય, અન્યાયી હોય, નિયમ અને કાયદાની વિરુદ્ધ હોય તો કોર્ટનો આશરો લઇ અને ન્યાય મેળવી શકાય છે.