સરદારનગરમાં નજીવી તકરારમાં યુવકની હત્યા કરનારા આરોપીને આજીવન કેદ
અમદાવાદ, શહેરના સરદારનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૬માં નજીવી તકરારમાં યુવકની ચાકુ મારી હત્યા કરનાર એક આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય આરોપીઓને મારા મારીની કલમ હેઠળ સજા ફટકારી છે.
આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે કેસ નિઃશંકપણે સાબિત થાય છે. ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય. સરદારનગર વિસ્તારમાં રહેતા આશાબહેન મહેશભાઇ વાઘેલા ૧૭ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ પતિ સાથે ઘરે હાજર હતા. તે સમયે મકાનની પાડોશમાં રહેતા કેતન ચંદુલાલ પુરબીયા તેમના ઘર પાસે ગાળો બોલતો હતો તેણે કહ્યું હતું કે, મારા બાઇક પર લીસોટા પાડ્યા છે તેમ કહી બૂમો પાડી રહ્યો હતો. તે સમયે આશાબહેન અને મહેશભાઇ ઘરની બહાર આવ્યા હતા.
તેમણે કેતનને ગાળો ન બોલવા કહ્યું હતું. ત્યારે કેતન ઉશ્કેરાઇ ગયો હતો અને બનેવી અરવિંદ સહિતના લોકોને બોલાવ્યા હતા. આ સસમયે અરવિંદ ઉશ્કેરાયો હતો અને ચાકુનો એક ઘા મહેશભાઇને મારી દીધો હતો. બીજો ઘા મારવા જતા આશાબહેન વચ્ચે પડ્યા હતા. ત્યારે અરવિંદે આશાબહેનને પણ ચાકુ મારી દીધું હતું. ત્યારબાદ તમામ લોકો ત્યાંથી પલાયન થઇ ગયા હતા.
બીજી તરફ લોહાલુહાણ હાલતમાં મહેશભાઇને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે આશાબહેન વાઘેલાએ સરદારનગર પોલીસ મથકમાં અરવિંદ કેશાભાઇ વાઘેલા, કેતન ચંદુભાઇ પુરબીયા, મનીષ જેસિંગભાઇ વાઘેલા, નંદાબહેન ચંદુભાઇ પુરબીયા અને રંજનબહેન અરવિંદભાઇ વાઘેલા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ ચાલી જતા સરકારી વકીલ સી.આર.ખત્રીએ પુરતા સાક્ષી તપીસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, નજીવી તકરારમાં હત્યા કરવામાં આવી છે.
આરોપીઓ સામે કેસ નિઃશંકપણે સાબિત થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુ ને ધ્યાને રાખી આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે અરવિંદ કેશાભાઇ વાઘેલાને આજીવન કેદની સજા કરી હતી. જ્યારે અન્ય આરોપીઓને મારા મારીની કલમ હેઠળ સજા કરી છે.SS1MS