ત્રણ દીકરીઓ ઉપર દુષ્કર્મ ગુજારનાર પિતાને આજીવન સખત કેદની સજા
ચાર વર્ષ પહેલા નોંધાયો હતો ગુનો ઃ ઘણા વર્ષો સુધી સહન કર્યા બાદ અંતે હિંમત અપાતા તરુણીએ નોંધાવી હતી સગા બાપ સામે ફરિયાદ
પોરબંદર, પોરબંદરના છાયામાં ત્રણ-ત્રણ સગીર દીકરીઓ ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે પકડાયેલા નરાધમ પિતાને કોર્ટે આજીવન સખત કેદની સજા કરી હતી.
આ બનાવની ટૂંક હકીકત એવી છે કે આ કામના આરોપી દ્વારા આ કામના મૂળ ફરિયાદી ભોગ બનનાર તથા અન્ય બે સગીર વયની દીકરીઓ જે આ કામના આરોપીની દીકરીઓ થતી હોય તેઓની ઉપર છાંયા સાંઢીયાવાળામાં પોતાના રહેંણાક મકાનમાં વારાફરતી દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુન્હો કરેલ હતો.
મહિલા આગેવાનોએ પણ સગીરાઓને મદદ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની હિંમત આપી હતી કેમકે એક પછી એક એમ ત્રણ ત્રણ માસુમ દીકરીઓ ઉપર કુદષ્ટિ કરીને ઘણા લાંબા સમય સુધી તેના પર બળાત્કાર ગુજારનાર આ નરાધમ શખસ સામે ચારે બાજુથી ફીટકાર વરસ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરી હતી.
આ કામમાં પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા જુદા જુદા ૧૮ જેટલા સાહેદોને તપાસવામાં આવેલ તથા જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરીને આરોપી સામેનો કેસ સાબિત થતો હોય સખત સજા કરવા રજુઆત કરી હતી. એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.કે. ભટ્ટે પિતાને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદ અને રૂ.પ૦૦૦ ના દંડની સજા કરી હતી.