Western Times News

Gujarati News

જીવન… એક જંગ

પ્રતિકાત્મક

બ્રિટનના પ્રખ્યાત મોટર નિર્માતા ન્યૂફીલ્ડ એક સામાન્ય મિકેનિક હતા. પોતાની મહેનત, ધગશ અને પ્રામાણિકતાના કારણે તેઓ બ્રિટનના સૌથી મોટા કાર નિર્માતા બન્યા.

વાટે રખડ્‌યાને મોજ કરી અનોખી,
બંધ પોપચાંમાં સપનાના રંગો દોરી,
જીવનના દરેક લહેકામાં અમે જાતને ઓગાળી…!
લોચનની સરહદમાં જીવતરને જીવી,
સંબંધની લહેરખીને ટેરવાથી સ્પર્શી,
જીવનની હરેક જંગને અમે હિંમતથી જીતી…!

‘જીવનની જંગ’ મારા કાવ્યની આ પંક્તિઓ થોડાંકમાં ઘણું કહી જાય છે. શ્રેષ્ઠ જીવનની પરિભાષા કોણ કહી શકે? એને દિશાઓમાં બાંધી નહીં શકીયે. વ્યક્તિ ભલે ગમે તેટલો સમૃદ્વ હોય કે અંકિચન માનવજીવન રહસ્યમય રીતે દરેકને અલગ રીતે જ પડકારો આપતું રહે છે. આજે આવા પડકારો અને એના પર વિજય મેળવનાર વિષે વાત કરવી છે. તેઓના વિચારો અને કાર્યો વિષે ઉંડાણથી કહેવું છે.

બ્રિટનના પ્રખ્યાત મોટર નિર્માતા ન્યૂફીલ્ડ એક સામાન્ય મિકેનિક હતા. પોતાની મહેનત, ધગશ અને પ્રામાણિકતાના કારણે તેઓ બ્રિટનના સૌથી મોટા કાર નિર્માતા બન્યા. ન્યૂફીલ્ડ કહે છે કે “મારા નસીબનું ઘડતર મેં મહેનત અને ચારિત્ર્યનિષ્ઠાના સહારે કર્યું છે. નિરાશાઓમાંથી પણ પ્રેરણા મેળવીને હું મારા લક્ષ્યને સિદ્ધ કરવા હંમેશાં તત્પર રહેતો અને ફળસ્વરૂપે હાલની સ્થિતિ સુધી પહોંચી શક્યો છું.”

મોટીમોટી યોજનાઓ બનાવવાના બદલે પોતાની પાસે જે હોય તે સાધનોની મદદથી નાનાંમોટાં કામોમાં લાગી જાય તો પણ પ્રગતિનો મજબૂત આધાર બની શકે છે. ‘પરિસ્થિતિ અનુકૂળ થશે અને સાધનો હશે ત્યારે ધંધો શરૂ કરીશું’ આવું વિચાર કરવા કરતાં હું મારાં જે કંઈ સાધનો છે તેની મદદથી કામ કરવાનું પસંદ કરું છું. કામ ભલે નાનું હોય કે મોટું, તેની સફળતાનું કારણ સાધન નહિ, પરંતુ મહેનત, ધગશ અને પ્રામાણિકતા હોય છે.

આપણે જોઈએ તો દુનિયાના બધા જ શ્રેષ્ઠ ધનપતિઓ સામાન્ય પરિસ્થિતિમાંથી અસામાન્ય પરિસ્થિતિએ પહોંચ્યા છે. સાધન અને પરિસ્થિતિ તો પ્રતિકૂળજ હતી,

પરંતુ મહેનત અને મનોબળથી તેઓ સફળતાના શિખર પર જઈ પહોંચ્યા. જો તેઓ કદાચ પરિસ્થિતિનાં રોદણાં રડતા રહેત તો બીજા માણસોની જેમ હાથ પર હાથ મૂકીને બેસી રહેત અને પૈસાદાર બનવાની કલ્પનામાં મનને બહેલાવ્યા કરત.

બાટા એક સામાન્ય મોચી હતો. પિતાની સંપત્તિના વારસા તરીકે તેને જોડા બનાવવાની કળા મળી હતી. જે તન્મયતાથી તે જોડા રીપેર કરતો હતો તે આશ્ચર્યજનક હતું. તેના કામ ઉપરથી તેની કામ કરવાની ધગશનાં દર્શન થતાં. પોતાનું કામ અને તેની મજૂરીની બાબતમાં તે એટલો બધો નેક હતો કે ગ્રાહકોની ભીડ જામેલી રહેતી. સમયસર જોડા તૈયાર કરતો. યોગ્ય મજૂરી લઈ સમયસર જોડા આપવા તે તેની ખાસિયત હતી.

આ પ્રમાણિકતા અને ધગશના કારણે જ તેની ખ્યાતિ વધી અને ધંધો ફેલાવા લાગ્યો. કામનો ફેલાવો જોઈને તેણે બીજા મદદનીશો રાખ્યા અને છેવટે કંપની ખોલવી પડી. “બાટા શૂઝ કંપની’” આજે તેની પ્રામાણિકતાના કારણે દુનિયાભરમાં જાણીતી છે. ગરીબ પરિસ્થિતિમાંથી અબજપતિ બનેલા વિશ્વવિખ્યાત બાટા શૂઝ કંપનીના નિર્માતાનું જીવનચરિત્ર ભૌતિક સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા લોકોને પ્રેરણા આપે છે.

ગલીએ ગલીએ જઈને રોજની ઉપયોગી વસ્તુઓ વેચનારા ‘બિરલા’ કેવી રીતે ભારતના શ્રેષ્ઠ વેપારી બન્યા, એ રહસ્યને જાણવાની ઇચ્છાવાળા લોકોએ તેમનો ખર્ચ, ધંધો અને વિસ્તારનો નહિ, પણ એમની એ વિશેષતાઓનો અભ્યાસકરવો પડશે, જેની મદદથી પૈસાના સ્વામી બની શકાય. તેમની મહેનત અને પ્રમાણિકતા પ્રશંસનીય હતી. નિષ્ફળતાઓમાં પણ તેઓ બિલકુલ નિરાશ બન્યા ન હતા. ચારિત્ર્યનિષ્ઠાને કદી આંચ ન આવવા દીધી.

પરિણામે તેમનો ધંધો એટલો ફૂલતો ફાલતો ગયો કે હાલમાં આખા ભારતમાં બિરલા કંપની ફેલાયેલી અને પ્રખ્યાત છે. બેઈમાનીની ટેવવાળા તથા આદર્શોને ન અપનાવનારા લોકો હકીકતમાં પરિસ્થિતિનું ધ્યાનથી નિરીક્ષણ કરી શકતા નથી.

તેઓ બુદ્ધિ ભ્રમિત છે. સાચી વાત તો એ છે કે બેઈમાનીથી ધન કમાવું જ ન જોઈએ. જો કમાઈ પણ લીધું હોય તો તે ટકતું નથી. લોકો જે ગુણોથી કમાય છે તે બીજા જ છે. સાહસ, સમાનતા, મીઠું બોલવું, વ્યવસ્થા અને વ્યવહારકુશળતા – આ બધા ગુણોના કારણે લોકો ધન કમાઈ શકે છે.

બેઈમાનીથી મેળવેલા લાભનું પરિણામ સ્થિર રહી શકતું નથી અને અંતે તે દુઃખદ હોય છે. આવા લોકો કદાચ દંડથી બચી પણ જાય, તો તેમને અપયશ, અવિશ્વાસ, ઘૃણા, અસહયોગ જેવા સામાજિક અને આત્માને છેતરવા તથા આત્મદુઃખ જેવી માનસિક પીડાના શિકાર બનવું પડે છે. બેઈમાનીથી પણ પૈસા ત્યારે જ મળે છે કે જ્યારે તેની ઉપર ઈમાનદારીનું ખોટું લેબલ લગાડવામાં આવ્યું હોય. કોઈને ત્યારે જ ઠગી શકાય છે કે જ્યારે તમે તેની ઉપર તમારી પ્રામાણિકતા અને વિશ્વસનીયતાની છાપ પાડી શકો.

માટે આપણે આપની સાત્વિકતા ક્યારેય છોડવી જ જોઈએ. જેમ દરેક લડાઈના ચોક્કસ નિયમો હોય છે, બસ તેવી જ રીતે જીવનની જંગમાં જયારે ઉતર્યા જ છીએ તો,
માનવતા, સદભાવના અને અથાગ પુરુષાર્થ જેવા સદગુણો સાથે જીવનની જંગમાં ઉતરશો તો વગર હથિયારે ચોક્કસ વિજયી થશો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.