દાહોદ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
(માહિતી) દાહોદ, રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થી નાગરિકોને આયુષ્યમાંન કાર્ડ વિતરણ અંતર્ગત દાહોદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. તદ્દઉપરાંત આજે આઠ તાલુકાઓમાં અને ૧૨૦ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૨૧ સુધીમાં એટલે કે ચાર દિવસમાં ૧.૪૧ લાખ લોકોને નવા પીવીસી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીથરાભાઈ ડામોરે જણાવ્યુ કે, સમગ્ર દેશમાં અત્યારે આયુષ્યમાન ભારત યોજના લાખો લોકો માટે આરોગ્ય કવચ બની રહી છે. અચાનક આવી પડેલી મોટી બીમારીમાં સામાન્ય માણસ માટે દવાનો ખર્ચ મોટી સમસ્યા બનતી અને ઘણી વખત દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ ગરીબ પરિવાર માટે મોટા આર્શીવાદ સમાન છે.
આ કાર્ડ થકી કોઈ પણ ગરીબ પરિવાર પાંચ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર મેળવી શકે છે. આ સારવારનો લાભ ફક્ત સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલમાં પણ લાભ મેળવી શકાય છે. તેમાંજ નાગરિકો દેશમાં પણ કોઇ પણ જગ્યાએ આ કાર્ડનો લાભ લઇ શકે છે.
આ વેળા લાભાર્થી નાગરિકોને મહાનુભાવોએ મંચ ઉપરથી પીવીસી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું. આ નિમિત્તે પ્રધાનમંત્રીની વરચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું . આ વેળાએ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુ નેહા કુમારી, અગ્રણી પર્વતભાઈ ડામોર, સુધીરભાઈ લાલપુરવાલા, રમણભાઈ, એપીએમસી ચેરમેન કનૈયાલાલ, નગરપાલિકા દંડક સુ શ્રદ્ધાબેન સહિતના પદાધિકારીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ચંદ્રકાંત પટેલ સહિતના અધિકારીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.