Western Times News

Gujarati News

પાલનપુર ખાતે પ૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ શરૂ કરાયો

(માહિતી બ્યુરો, પાલનપુર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૫૦ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જે અંતર્ગત પાલનપુર ટાઉનહોલ ખાતે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ PMJAY-MA કાર્ડ આપણા માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી કહ્યું કે, અચાનક આવતી બિમારીના સમયે ગરીબ, મધ્યમવર્ગ અને શ્રમિકો માટે આ યોજના ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં મફત સારવારના અભાવે લોકોને ગંભીર બિમારીઓ ખૂબ તકલીફો ભોગવવી પડતી હતી પરંતુ આજે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના ગરીબ માનવી માટે આરોગ્યની આ યોજના સંજીવની સમાન પુરવાર થઇ રહી છે.

તેમણે લોકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના અંતરીયાળ વિસ્તારમાં રહેતા ગરીબ માણસોના આરોગ્યની ચિંતા કરીને આ યોજના બનાવી છે ત્યારે તેનો લાભ લઇને આપણા પરિવારને સ્વસ્થ્ય- તંદુરસ્ત રાખવામાં ઉપયોગી સાબિત થશે. તેમણે ઉમેર્યુ કે, આ સરકારે રોડ, પાણી, ગટર, ગેસ અને આવાસ યોજના સહિતના લાભો આપી લોકોના જીવનમાં સુખાકારી લાવી છે.

નાનપણથી હ્રદયની બિમારીથી પીડાતા બનાસકાંઠા જિલ્લાના સૂઇગામના ૨૩ વર્ષીય લાભાર્થીશ્રી પીયૂષભાઈ સાથે વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલી સંવાદ કરી તેના ખબર-અંતર પૂછ્યા હતા અને સરસ જીવન જીવવા તથા લોકોની સેવા કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, આસી. કલેકટરશ્રી અંશુ વિલ્સન, અગ્રણીઓ સર્વશ્રી મોતીભાઇ પાળજા, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી દિપકભાઇ પટેલ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.