મહેસાણામાં 4 પાકિસ્તાનીઓના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા !
(એજન્સી)મહેસાણા, મહેસાણા તાલુકાના લાખવડ ગામે રહેતા પાકિસ્તાની પરિવારના ચાર સભ્યોના આયુષ્યમાન કાર્ડ નીકળેલા હોવાનું આરોગ્ય તંત્રના ધ્યાને આવતા આ કાર્ડ ક્યાંથી અને કયા આધાર-પુરાવાના આધારે નીકળ્યા તે અંગેની તપાસ શરૂ કરાઈ છે.
મહેસાણા તાલુકાના લાખવડ ગામે સહકારનગરમાં પાંચ વર્ષથી વધુ સમયથી રહેતા પાકિસ્તાની નાગરિકોના પરિવારના સભ્યોના પીએમજય હેઠળ આયુષ્યમાન કાર્ડ નીકળેલા હોવાનું તેમજ એક સભ્યની સારવાર માટે કાર્ડ થકી યોજનાનો લાભ લેવાયો હોવાનું સોમવારે મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સુહાગભાઈ શ્રીમાળીના ધ્યાને આવ્યું હતું.
તેમણે પ્રાથમિક તપાસ કરાવતા લાખવડ ગામે સહકારનગરમાં રહેતા ઠાકોર ધર્માભાઈ નાથુભાઈ અને તેમના પરિવારના ઠાકોર ભૂરીબેન ધર્મૂન, ઠાકોર મોહનલાલ ધર્મૂન અને ઠાકોર કમીનાકુમારી ધર્મૂનના નામના આયુષ્યમાન કાર્ડ નીકળેલા હોવાનું જણાયું હતું. તેમની પાસે આધારકાર્ડ અને પાસપોર્ટ હોવાનું તેમજ રેશનકાર્ડ હતું જે રદ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું
જેથી તેમણે પાકિસ્તાની નાગરિક એવા ઠાકોર ધર્માભાઈ નાથુભાઈ સહિત તેમના પરિવારના ચાર જણાંના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા હોવાની જાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કરીને આ કાર્ડ નિયમોનુસાર નીકળી શકે કેમ ? તે અંગે વધુ તપાસ કરવી જરૂરી હોઈ જિલ્લા કક્ષાએથી આ યોજનાના નોડલ ઓફિસર દ્વારા અન્ય વધુ તપાસ કરાવવા વિનંતી કરી હતી જેના પગલે જિલ્લા કક્ષાએથી આ કાર્ડ કયા આઈડી પરથી (કયા સ્થળેથી) નીકળ્યા તે જાણવા ઉચ્ચ કક્ષાએ જાણ કરવા સહિતની તપાસ આરંભાઈ હતી.