જેવા કર્મો તેવી ગતિ
ફક્ત કર્મકાંડ કરવાથી કે દરરોજ મંદિર કે દેરાસર, મસ્જિદ કે ચર્ચમાં જવાથી અથવા દાનધર્માદા કરી લોકોમાં પોતાની વાહવાહ મેળવવાથી આસ્તિક નથી બની જવાતું.
એક શેઠ પોતે પોતાની ઇચ્છાથી દાન ધર્માદા કરતા ન હતાં પરંતુ પોતાનું નામ લોકોમાં ચર્ચાય અને વાહવાહ સાંભળવા મળે તેવી સ્વાર્થી વૃતિથી દાન ધર્માદા કરતાં હતાં.
આ જગતમાં બે પ્રકારની વિચારધારા ધરાવતી વ્યક્તિઓ વસે છે. અમુક લોકો આસ્તિક હોય છે તો અમુક લોકો નાસ્તિક હોય છે. કોઇ પણ વ્યક્તિ જન્મજાતથી આસ્તિક કે નાસ્તિક હોતી નથી પરંતુ પોતાના પૂર્વભવના કરેલા કર્મોથી અથવા પોતાના મા-બાપ તથા વડિલોનાં સંસ્કાર સિંચનથી અથવા કોઇની સંગતથી માનવી આસ્તિક અથવા નાસ્તિક બની જતો હોય છે.
માનવી ઇશ્વર કે પરલોક અથવા કર્મોમાં માનતો હોય કે માનતો ન પણ હોય પરંતુ અમુક સંજોગો ઉભા થતા માનવીનાં જીવનમાં બદલાવ આવતા આસ્તિક માનવી નાસ્તિક બની જતોહોય અને નાસ્તિક માનવી આસ્તિક બની જાય તો નવાઇ નહિ.
આજના હડહડતા કળિયુગમાં નાસ્તિક વિચારસરણી ધરાવતી વ્યક્તિઓ જ્યાં જુઓ ત્યાં ચોમેર દેખા દેતી હોય છે. આજના મોટા ભાગનાં લોકો દેખાદેખી, ઈર્ષા, સ્વાર્થ, લાલચી, શોખીન તથા આડંબરથી રાચતા હોય છે. હાલના આધુનિક જમાનામાં લોકોને એશઆરામ, સુખસાહેબી જીવન ગુજારવાનું ગમતું હોય છે તથા લોકોને તાત્કાલિક વસ્તુઓ અને ઈચ્છા થતા પોતાનો શોખ પૂરો કરવા યેન કેન પ્રકારેણ ભોગવવાનો વિચાર ધરાવે છે. તેઓ પુર્વભવ કે પૂર્નજન્મમાં માનતા ન હોવાથી વર્તમાન ભવમાં જેટલું ભોગવાય તેટલું ભોગવવા માંગતા હોય છે. નાસ્તિક લોકોને કાલની કે ભવિષ્ય કે પુર્નજન્મની કોઇ જ પડી હોતી નથી.
જ્યારે આસ્તિક લોકો આસ્થામયી જીવન ગુજારતા હોય છે તે જ તેમનાં જીવનનો મૂળ આધાર ગણાય છે. સ્વયંમાં આસ્થા રાખવી એટલે ઇશ્વર અથવા પરાશક્તિમાં વિશ્વાસ ધરાવવો. આવા લોકોમાં આત્મબળ પણ વધારે હોય છે.
પરંતુ આજકાલ લોકો આત્મા કરતા શરીરને વધારે મહત્વ આપતા હોય છે અને મોજશોખ કરીનેઆનંદ મેળવતાં હોય છે. ફક્ત કર્મકાંડ કરવાથી કે દરરોજ મંદિર કે દેરાસર, મસ્જિદ કે ચર્ચમાં જવાથી અથવા દાનધર્માદા કરી લોકોમાં પોતાની વાહવાહ મેળવવાથી આસ્તિક નથી બની જવાતું.
પરંતુ ઇશ્વર તથા વિધાતાનો સ્વીકાર કરીનેતેને આધીન રહીને જીવન જીવવા સંઘર્ષ કરવો તે જ મહત્વનું છે. આસ્તિક લોકો સ્વેચ્છાથી ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને પોતાના અંતઃકરણથી વિશ્વાસ ધરાવતા હોય છે અને તેઓ કોઇ પણ ખોટા કર્મો કરતા ડરે છે.
આસ્તિક લોકો માનતા હો છે કે શરીર તો આજે છે ને કાલે નથી અને આત્માતો અમર જ હોય છે. આત્મા કદી મરતો નથી અલબત્ત આત્મા અજરામર છે. પોતાના કરેલા કર્મોનુસાર આત્ભા એક ખોળિયામાંથી બીજા ખોળિયામાં બદલાતો રહે છે અને તે ચોરાસી લાખ જીવયોનિમાં ભટકતો રહેતો હોય છે. ‘જેવા કર્મો તેવી ગતિ….’
જયારે નાસ્તિક લોકોને મન તો ભગવાન કે કર્મો જેવી કોઇ ચીજ જ અસ્તિત્વમાં હોતી નથી. તેઓ તો પોતાનામાં જ મસ્ત જીવતા હોય છે તથા પોતાનો અહમ્ પોષતા હોય છે. પોતે પોતાની જાતને સર્વેસંપન્ન જ માનતા હોય છે. તેઆૅને મન આજ કે વર્તમાન ભવ જ છે અને કાલની તેઓને કોઇ પડી હોતી નથી.
‘કહે શ્રેણુ આજ’
‘નાસ્તિક માનવી કરે પાપોનો સંગ્રહ જિંદગીભર,’
‘કરે મોજ-શોખ દિલથી, કરે પૂરી પોતાની ઈચ્છાને.’
‘આસ્તિક માનવી બાંધે પુણ્યનું ભાથું જીવનભર,’
‘માને કર્મ, પરોપકાર તથા ભગવાનના અસ્તિત્વને.’
‘નાસ્તિક માનવી, વધારે પોતાના કર્મો રૂપી પાપનો ઘડો ભરીને,’
‘આસ્તિક માનવી, ખપાવે પોતાના કર્મો રૂપી પુણ્યનું ભાથું બાંધીને.’
પૂર્વભવનાં કર્મોનુસાર શેઠ શ્રી રાયચંદશેઠ પૈસે ટકે સમૃધ્ધવાન હતાં તથા વર્ષોથી તેમનો બહોળો વેપાર ચાલતો હતો. તેઓ પોતાનાં ધંધાથી તથા પોતાના કટુંબ કબીલાથી સુખી હતાં.જાહેરમાં પોતાના નામની વાહવાહ બોલાય તે સારું લોકોને તથા નાત-જાતમાં અને ગરીબ-ગુરબાઓને સારું એવું દાન ધર્માદા કરતા રહેતા.
લોકોની નજરમાં શેઠ ભગવાનની જેમ પૂજાવા લાગ્યાં. પોતાની પ્રતિષ્ઠિત છાપ હોવાથી લોકો તેમને ત્યાં વ્યાજે પેસા મૂકતાં હતાં. નાત-જાત તથા ગામમાં શેઠશ્રીનું નામ પહેલાં પાંચમા પણ પહેલું જ ગણાતું હતું. પોતાની તકલીફમાં લોકો શેઠ પાસે દોડી જતાં અને શેઠ પાસેથી મદદ પણ મળી રહેતી જેથી લોકો એકબીજાને શેઠની વાહવાહ કરતાં હતાં.
શેઠ શ્રી એરાયચંદ શેઠ પોતે પોતાની ઇચ્છાથી દાન ધર્માદા કરતા ન હતાં પરંતુ પોતાનું નામ લોકોમાં ચર્ચાય અને વાહવાહ સાંભળવા મળે તેવી સ્વાર્થી વૃતિથી દાન ધર્માદા કરતાં હતાં.
તેઓને ભગવાનમાં જરી પણ શ્રધ્ધા કે વિશ્વાસ હતો નહિ. વર્ષનાં કોઇપણ દિવસે દેરાસર જતાં નહિ. તેમને મન તો પોતાની કાબેલિયાતથી જ પોતાનો ધંધો વિકસાવ્યો અને પૈસા કમાયાનો ગર્વ હતો. તેઓને મન પોતે જ કંઇક હતાં અને પોતાની જાતને સર્વસ્વ માનતા હતાં.
એક દિવસે નારિયેળપૂર્ણિમાંનાં દિવસે પોતાના બે દીકરા વીરચંદ તથા ફતેહચંદ સાથે કિંમતી માલ ભરીને બાર વહાણોના મોટા કાફલા સાથે વેપાર કરવા દરિયાપાર મોકલ્યા પણ હજી માંડ બે ચાર દિવસ વિત્યા હશે અને દરિયામાં મોટું વાવાઝોડું આવતા ગોઝારો અકસ્માત નડતા બધાં વહાણો સાથે બન્ને દીકરાઓ દરિયામાં ડૂબી ગયાં. દીકરા ગુમાવ્યાનો તથા ઘણું મોટું નુકસાન વહોરવાથી કારમો આઘાત લાગતાં શેઠ શ્રી રાયચંદ શેઠ બન્ને હાથ માથે મૂકીને પોકે પોકે રડવા લાગ્યાં.
આ જ અરસામાં અનાયાસે મહારાજ સાહેબ શેઠને ઘરે વહોરવા પગલાં પાડ્યાં. ત્યાં તેમને પણ શેઠનાં દઃખદ સમાચાર મળ્યાં જેથી તેમને શેઠને ધરમ-ધ્યાન સંભળાવીને પ્રતિબોધ કર્યાં. દિવસો પસાર થતાં શેઠ શ્રી રાયચંદ શેઠ ધરમ સમજતા તે વિષયમાં ઊંડે ઉતરતા ભગવાન તથા કર્મની કિંમત સમજાતા ધીરે ધીરે નાસ્તિક શેઠ આસ્તિક બની ગયાં.
અમુક વર્ષોનાં વહાણા બાદ શેઠનો ધંધો વિકસતો ગયો અને હવે શેઠ પોતે પોતેનો ઈચ્છાથી લોકોને દાન અને ધર્માદા કરવા લાગ્યાં. તેઓ ઇશ્વર અને કર્મના અસ્તિત્વને માનતા થઇ ગયાં. પછી તેઓએ ગામમાં બહું વિશાલ દેરાસર બનાવ્યું અને પોતે રોજ પૂજા કરતા થઇ ગયાં અને ધરમ-ધ્યાનમાં વધારે ઊંડે ઉતરતાં અમુક વર્ષો બાદ શેઠ રાયચંદ શેઠે દિક્ષા લઇને મુની બની ગયાં. ‘નાસ્તિક મટીને આસ્તિક બનવાથી’ ભવોભવમાં નવા સારા કર્મો કરાતા પુણ્યમાં વધારો થતાં આપણો આત્મા ઉચ્ચ ગતિએ રહેશે.