Western Times News

Gujarati News

ફિલ્મ જગતની જેમ સનદી અધિકારીઓમાં પણ નેપોટીઝમ ચાલે છે?

ફિલ્મ જગતમાં અભિનેતા કે અભિનેત્રીઓના સંતાન જ્યારે જ્યારે આગળ કરવામાં આવે કે તેમને માટે પક્ષપાત કરવામાં આવે ત્યારે તે માટે નેપોટીઝમ (સગાવાદ) શબ્દ વાપરવામાં આવે છે.ગુજરાતની સનદી કેડરમાં પણ સગાવાદને મહત્વ આપવામાં આવે છે. કોઈ નિવૃત સનદી અધિકારીનો દીકરો કે દીકરી સનદી કેડરમાં પ્રવેશ મેળવે તો તે પછી તેની તરફ સિનિયર આઈ.એ.એસ. અધિકારીઓ વાત્સલ્ય ભાવ દાખવીને શક્ય એટલો તમામ પ્રકારનો પક્ષપાત કરી લેતાં હોય છે.

તેનું હાજરાહજૂર ઉદાહરણ જોવું હોય તો આઈ.પી.એસ.કેડરના ડો.લવિના વરેશ સિંહાનો દાખલો લઈ શકાય.લવિના સિંહા ૨૦૧૭ની બેચના સનદી અધિકારી છે. એમ.બી.બી. એસ. MBBS  અને એમ.ડી.(મેડીસીન)ની (MD Medicine) ડીગ્રી ધરાવતા લવિના નોકરીમાં દાખલ થયા ત્યારથી આજદિન સુધી માત્ર અમદાવાદમાં જ પોસ્ટીગ મળ્યું છે. સાત વર્ષની નોકરી દરમિયાન ગુજરાતના કોઈ દુરના જિલ્લામાં તેઓને મોકલાયા નથી.

તેનું કદાચ એકમાત્ર કારણ એવું છે કે લવિના ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ વરેશ સિંહાના દીકરી છે.એક પ્રશ્ન એ પણ થાય કે એમ.ડી.(મેડીસીન) જેવી ઉચ્ચ કક્ષાની ડીગ્રી મેળવ્યા પછી પણ લવિનાને સનદી કેડરનો મોહ કેમ લાગ્યો હશે? શું પપ્પાની સાહ્યબી અને સમૃદ્ધિ જોઈને મન થયું હશે?આનો જવાબ તો લવિના જ આપી શકે.

શું સરકારનાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસ્યુકીટર ગૃહ વિભાગમાં જશે?
અખબારમાં આવતા કોર્ટનાં સમાચારોમાં સોલીસીટર જનરલ,ગવર્ન્મેન્ટ પ્લીડર, સરકારી વકીલ કે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસ્યુકીટર જેવા શબ્દોનો ઉપયોગ થતો જોવા મળે છે.આ બધાંમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસ્યુકીટરનો હોદ્દો કાયમી અને બહુ મહત્ત્વનો છે.કારણકે આ હોદ્દા પર નિમણૂંક પામનાર વકીલ સરકારનો કાયમી કર્મચારી છે.આ હોદ્દા પર બેસવા માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આકરી પરીક્ષા પાસ કરવી પડે છે.

કોર્ટ અને સરકાર વચ્ચે કડીરૂપ બનતા અને બીજા બધા હોદ્દાઓ પર કામ કરતા વકીલોની નિમણૂંક કરાર આધારિત અને બાંધી મુદતની હોય છે જ્યારે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસ્યુકીટર કાયમી છે.હવે સમાચાર એવા આવ્યાં છે કે હાલ ગુજરાત રાજ્યના કાયદા વિભાગની છત્રછાયામાં કામ કરતા તમામ આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસ્યુકીટરને રાજ્યના ગૃહ વિભાગના હવાલે મુકવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે.

આનુ કારણ એવું હોવાનું કહેવાય છે કે પબ્લિક પ્રોસ્યુકીટરનો પનારો કાયમ માટે પોલીસ ખાતા સાથે પડે છે અને તેમની કન્ટ્રોલીન્ગ ઓથોરિટી કાયદા વિભાગ છે. આને કારણે ગૃહ વિભાગ આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસ્યુકીટર પાસેથી ધાર્યું કામ લઈ શકતુ નથી!તેથી આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસ્યુકીટરને હવે નજીકના ભવિષ્યમાં કાયદા વિભાગમાંથી ગૃહ વિભાગના હવાલે તબદીલ કરવામાં આવનાર છે.અલબત,હાલ આ અંગેની વહીવટી પ્રક્રિયા ગતિમાં છે પરંતુ નિર્ણય ગૃહ વિભાગની તરફેણમાં આવે છે કે કાયદા વિભાગની તરફેણમાં એ જોવું રહ્યું!

આંદોલન કેવી રીતે કરાય એ જિજ્ઞેશ મેવાણી પાસેથી શીખો!


સચિવાલયમાં આજકાલ જીજ્ઞેશ મેવાણીનું નામ વિશેષ ચર્ચાય છે.તેનું કારણ એ છે કે કોંગ્રેસ પક્ષમાં કેટલાંય વર્ષો પછી જીજ્ઞેશ મેવાણી જેવો એક લડાયક ધારાસભ્ય અને નેતા જોવા મળ્યો કે જેની પાસે નક્કર મુદ્દાઓ સાથે સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની આવડત અને ઉત્સાહ છે. વિરોધ પક્ષના નેતાઓએ કેવી રીતે સક્રિય રહી,સમાજ વચ્ચે જઈને,સમાજને સાથે રાખીને આંદોલન કરી શકાય એ જીજ્ઞેશ મેવાણી પાસેથી શીખવું જોઈએ.

ગોંડલનાં ગણેશ જાડેજાએ જુનાગઢના દલિત યુવાનને માર માર્યો ત્યારે મેવાણીએ ન્યાય મેળવવા માટે જુનાગઢમાં ધામા નાંખીને ઉગ્ર આંદોલન કર્યું હતું અને તેને કારણે ઉભા થયેલા રાજકીય દબાણવસાત સરકારે ગણેશને પકડવો પડ્‌યો હતો.તે પછી જીજ્ઞેશ મેવાણીએ રાજકોટ ખાતેના અગ્ની કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ધરણા સત્યાગ્રહ કર્યો અને રાજકોટ બંધનું એલાન પણ આપ્યું.

જીજ્ઞેશના આ આંદોલનથી પ્રજાને કોંગ્રેસમાં રસ પડવા માંડ્‌યો છે.સામ્યવાદી પક્ષનું એક સુત્ર હતું કે “હમ લડેંગે મરતે મરતે નહીં લડાઈ મરને વાલી.” જીજ્ઞેશ મેવાણી આ સુત્રમાં દર્શાવાયેલ જુસ્સા સાથે લડત ચલાવે છે અને વિરોધ પક્ષના ધારાસભ્ય અને નેતા તરીકેનો પોતાનો ધર્મ સરસ અને સાચી રીતે બજાવે છે તેવું સૌ સ્વીકારે છે.

શિક્ષણ વિભાગનો મોટો છબરડો! પાઠ્‌યપુસ્તકમાંથી એક આખું પ્રકરણ જ ગુમ!
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગનાં આમ તો અનેક છબરડા બહાર આવતા હોય છે.જે મોટા ભાગે શાળા, પરીક્ષા,જુદા જુદા અને વિચિત્ર હુકમોને સંબંધિત હોય છે.હવે શિક્ષણ વિભાગના છબરડા શૈક્ષણિક પુસ્તક સુધી પણ પહોંચી ગયા છે.વાત જાણે એમ છે કે અમદાવાદની એકબીજાથી માંડ એકાદ બે કિલોમીટરના અંતરે આવેલી બે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ વિભાગ તરફથી ધોરણ -૯ના સામાજિક વિજ્ઞાન વિષયના પુસ્તકો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મોટા જથ્થામાં પહોંચાડવામાં આવ્યા.

આશ્ચર્ય તો એ વાતનું છે કે એક શાળામાં સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક આપવામાં આવ્યાં તેમાં ૨૧ પ્રકરણ છે અને બીજી શાળામાં જે પુસ્તક આપવામાં આવ્યું તેમાં ૨૨ પ્રકરણ છે! બન્નેનાં પુસ્તકના પ્રકાશન વર્ષ જુદા છે.પણ પ્રશ્ન એ થાય કે સરકાર જે પુસ્તક બહાર પાડે તેનાં અભ્યાસક્રમ જુદા જુદા કેવી રીતે હોઈ શકે?

કુલ કેટલી સ્કૂલોમાં અધૂરા (૨૧) પ્રકરણ વાળા પુસ્તકો પહોંચ્યા છે તેની તપાસ શિક્ષણ વિભાગ કરશે? અધુરા પ્રકરણ વાળા પુસ્તકો સરકાર બદલી આપશે? આ સવાલ શિક્ષણ વિભાગની વહીવટી પ્રક્રિયા માટેનાં તો છે જ પણ સાથે સાથે તેની કાર્યક્ષમતા સામેનાં પણ છે!

ડભોઈમાં મહેસુલ અને ગૃહ વિભાગ સામસામે આવી ગયો!
સચિવાલયમાંમાં હાલ વડોદરા જિલ્લાના ડભોઈના મામલતદાર (એટલે કે મહેસુલ વિભાગ) અને નાયબ પોલીસ અધિક્ષક(એટલે કે ગૃહ વિભાગ)સત્તાવાર રીતે સામસામે આવી ગયાની બાબત અંગે જબરી ચર્ચા ચાલે છે.વાત જાણે એમ બની છે કે નાયબ પોલીસ અધિક્ષક, ડભોઈએ મામલતદાર કચેરી, ડભોઈના સર્કલ ઇન્સ્પેક્ટર એન.એન.ચૌધરીને તેઓએ સત્તાવાર ફરજના ભાગરૂપે કરેલ કામગીરીનાં અનુસંધાને જમીન અંગેની એક વાંધા અરજી આવતા ચૌધરીને દિન-૧મા હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

આ સામે મામલતદારે તા.૨૧/૦૬/૨૪ના દિવસે એક વિગતવાર પત્ર લખીને અને તેમાં હાઈકોર્ટના આદેશો અને મહેસુલ વિભાગના હુકમો ટાંકીને નાયબ પોલીસ અધિક્ષકને આકરા શબ્દોમાં જણાવી દીધું કે અમારા સર્કલ ઇન્સ્પેક્ટરને તપાસ માટે બોલાવવા એ તમારા અધિકાર ક્ષેત્રમાં આવતું નથી.

મામલતદારે સ્પષ્ટ રીતે લખ્યું કે “આપનાં દ્વારા આપવામાં આવેલ નોટિસ દ્વારા સ્પષ્ટપણે જણાઈ આવે છે કે નામદાર હાઈકોર્ટે તથા સરકારીશ્રીના મહેસુલ વિભાગના તા.૨૩/૫/૧૪ના પત્રની ઉપરવટ જઈને આપે આપખુદશાહીથી મહેસુલ કર્મચારીને નોટિસ આપી ખુલાસો કરવા જણાવેલ છે જે આપના દ્વારા આપની ફરજના સમયે સત્તા બહારનું કૃત્ય કરેલ છે.

આપ એક સિનિયર અધિકારી હોય આપનાં દ્વારા આવું ગેરવ્યાજબી કૃત્ય કરવું શોભનીય નથી.તથા આપની કાયદા અને ફરજ પ્રત્યેની નિષ્કાળજી સ્પષ્ટ જણાઈ આવે છે.”આ આખા પ્રકરણમાં જે રીતે નાયબ પોલીસ અધિક્ષકને ખખડાવવામાં આવ્યા છે તે પરથી એવું ફલિત થાય છે કે ડભોઇના મામલતદાર અભ્યાસુ અને બાહોશ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.