અન્ય રાજ્યોની જેમ હવે ગુજરાતમાં પણ રાત્રે નિકળવું સુરક્ષિત નથીઃ એક યુગલ સાથે બનેલી ઘટના
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3 પોલીસ કર્મચારીઓએ યુગલને લૂંટી લીધું
(એજન્સી)અમદાવાદ, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન કડક ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતું હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં એરપોર્ટથી બોપલ જઈ રહેલ એક દંપતી પર કેસ કરવાની ધમકી આપી તેની પાસે કેસ ન કરવા પૈસાની માંગણી કરી હતી.
જે બાદ પૈસા આપવાનું નક્કી થતા પોલીસ યુવકને ગાડીમાં બેસાડી એટીએમ પાસે લઈ જતા યુવકે પૈસા ઉપાડતા પોલીસ દ્વારા યુવક પાસેથી પૈસા પડાવી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સોલા પોલીસે ટ્રાફીકનાં ૩ પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદનાં પોશ વિસ્તાર ગણાતા એવા સાઉથ બોપલ ખાતે રહેતા મિલન ભાઈ તા. ૨૫ નાં રોજ ભાડેથી ઉબર ગાડીમાં એરપોર્ટથી તેઓનાં ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન એસ.પી. રીંગ રોડ ઓગણજ ચોકડી પાસે પહોંચતા એક પોલીસની જીપ ત્યાં ઉભી હતી.
ત્યારે પોલીસ સિવિલ ડ્રેસમાં હાજર રહેલ પોલીસ કર્મી દ્વારા મિલનભાઈને ઉભા રાખી તેઓને કહેલ કે તમે જાહેરનામાનો ભંગ કરેલ છે. તમારી સામે કેસ કરવો પડશે તેમ કહી ડરાવી ધમકાવી તેઓ પાસે પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા મિલનભાઈને પોલીસની ગાડીમાં બેસાડી એટીએમ ખાતે લઈ ગયા હતા.
ઘટનાં સ્થળે હાજર રહેલ પોલીસ કર્મીઓમાં બે વ્યક્તિએ ખાખી કપડા પહેરેલ હતા. જ્યારે એક વ્યક્તિ સિવિલ ડ્રેસમાં હતો. ત્યારે સિવિલ ડ્રેસ પહેરેલ જે વ્યક્તિ ઉબરમાં મિલનભાઈની પત્નિ તેમજ બાળક સાથે બેસી ગયો હતો.
જે બાદ મિલનભાઈની પત્નિનો ફોન સ્વીચ ઓફ કરી દઈ તેઓને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસકર્મી દ્વારા બે લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી કે જાે તમે પૈસા નહી આપો તો જેલમાં પૂરી દઈશું.
પોલીસ દ્વારા પૈસાની માંગણી કરતા મિલનભાઈએ કહેલ કે મારી પાસે આટલા બધા પૈસા નથી. હું માત્ર આપને ૧૦ હજાર આપી શકું તેમ છું. જે બાદ પોલીસકર્મી તેમજ મિલનભાઈ વચ્ચે લાંબી રકઝક બાદ અંતે ૬૦ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ત્યારે બાદ ગણેશ ગ્લોરી પાસે આવેલ SBI બેંકનાં નાં એટીએમમાંથી મિલનભાઈએ ૪૦ હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જે પૈસા પોલીસ કર્મી દ્વારા લઈ લીધા હતા.
ઘરે ગયા બાદ મિલનભાઈએ સમગ્ર ઘટનાં બાબતે તેમનાં પિતાને જાણ કરી હતી. ત્યારે બીજા દિવસે મિલનભાઈ તેમજ તેમનાં પિતા બંને સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સમગ્ર મામલે અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ સોલા પોલીસે ત્રણ પોલીસકર્મી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.