વાહનની જેમ ટ્રેનના એન્જિનમાંથી થતી હતી ડીઝલની ચોરી
ભૂજ, વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી થવા વિશે તો તમે સાંભળ્યુ જ હશે, પરંતુ કચ્છના સુરબારી રેલવે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાંથી ડીઝલ ચોરી કરનારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળને જાણકારી મળી હતી કે કચ્છના આ સ્ટેશન પર આ પ્રકારની ગતિવિધી થાય છે.
શ્વાનની મદદ લઈને પોલીસે ૨૯ હજારથી વધારે કિંમતના મુદ્દામાલ સાથે ચાર લોકોને પકડી પાડ્યા હતા. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સુરબારી સ્ટેશન પર રાતના સાડા દસ વાગ્યે માલવાહક ટ્રેન ઉભી રહેતી હતી, જેમાંથી ડીઝલ ચોરી થતું હોવાની જાણકારી મળી હતી. સેલ્ફ ઈન્સપેક્ટર, RPF, માલિયા મિયાણાનો સ્ટાફ આ જાણકારી મળ્યા પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં જ્યારે લોકો પાયલટ અને તૈનાત ગાર્ડ સાથે મળીને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, માલગાડીની ફ્યુલ ટેન્કનું ઢાંકણુ ક્ષતિગ્રસ્ત છે.
ટ્રેનના ડ્રાઈવરે જણાવ્યું કે, ટાંકીમાંથી પાઈપની મદદથી ડીઝલ કાઢવામાં આવ્યુ હતું અને તેમને લગભગ ૨૦૦ લીટર ડીઝલ ભરેલા બે ડ્રમ પણ મળી આવ્યા હતા. ડ્રાઈવરે અંધારુ હોવાને કારણે ટોર્ચ મારી તો જાેયું કે અમુક લોકો ભાગી રહ્યા હતા. સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા પછી ૪૨૦ લીટર ચોરીના ડીઝર ભરેલા ૨ ડ્રમ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારપછી ચોરને પકડવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરુ કરવામાં આવી હતી. RPF કંટ્રોલ રુમ અમદાવાદ અને ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર સાથે સંકલન કર્યા પછી ટ્રેકર ડોગને બોલાવવામાં આવ્યા હતા.
આ શ્વાનોએ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલા સાધનોને સૂંઘ્યા હતા અને ત્યાર પછી તેના આધારે શોધતા શોધતા સુરબારીના એક ઘર નજીક જઈને અટકી ગયા હતા. આસપાસના લોકો તેમજ અન્ય બાતમીદારોની મદદથી પૃષ્ટિ કરવામાં આવી હતી કે શ્વાને જે ઘર પર શોધ પૂરી કરી તે પરિણામ સાચુ હતું. ઘરની અંદર પણ ડીઝલની વાસ આવતી હતી. તેમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તે સ્વીકાર્યું કે ચાર શખ્સોએ ભેગા મળીને માલગાડીના એન્જિનમાંથી ડીઝલની ચોરી કરી હતી.
આ ચોર જ્યારે ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે એક કર્મચારી આવી જતા ૨ ડ્રમ ડીઝલ, પ્લાસ્ટિકની પાઈપ, લોખંડનો સળિયો, હથોડી વગેરે છોડીને ભાગી ગયા હતા. પરંતુ ૩૦ લીટર ડીઝલ ભરેલ એક ડબ્બો તેઓ સાથે લઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી વિવિધ મત્તા જપ્ત કરી છે. ૨૯,૨૫૦ રુપિયા કિંમતના ૪૫૦ લિટર ડીઝલની રિકવરી કરવામાં આવી છે.