લિંકન ફાર્મા.નો FY2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 15.01 કરોડ થયો
અમદાવાદ, 09 ઓગસ્ટ, 2022 – ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સમાવિષ્ટ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 15.01 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 11.10 કરોડના ચોખ્ખા નફા કરતાં ત્રિમાસિક ધોરણે 35.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ આવકો રૂ. 129.97 કરોડ રહી હતી જે ત્રિમાસિક ધોરણે 24.4 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 23.41 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 19.32 કરોડની એબિટા કરતાં 21.14 ટકાનો વધારો દર્શાવે છે. ઈપીએસ શેરદીઠ રૂ. 7.49 રહી હતી જ્યારે નિકાસો રૂ. 66.08 કરોડ રહી હતી.
કંપનીના પરિણામો અને પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2023 કંપની માટે વૃદ્ધિનું વર્ષ રહેશે. સેફોલોસ્પોરિન પ્રોડક્ટ્સના વિસ્તરણ માટે મહેસાણા એકમથી કોમર્શિયલ પ્રોડક્ટ્સ અને યુરોપિયન યુનિયન તથા ઓસ્ટ્રેલિયન માર્કેટ્સમાં નિકાસો
વર્તમાન નાણાંકીય વર્ષમાં શરૂ થવાની સંભાવના છે. કંપની સતત વિકાસ કરી રહી છે, મજબૂત ઓપરેશનલ અને ફાયનાન્શિયલ કામગીરી દર્શાવી રહી છે, આવકો, માર્જિન અને નફાકારકતામાં તંદુરસ્ત વૃદ્ધિ જોવાઈ રહી છે. કંપની ભવિષ્યમાં તેના સંપૂર્ણ દેવા મુક્ત સ્થિતિને જાળવી રાખીને વૃદ્ધિ ચાલુ રાખશે.
નાણાંકીય વર્ષ 2022 દરમિયાન કંપનીએ સ્થાનિક બજારમાં 14 પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી અને નિકાસ બજારમાં 110 ડોઝિયર ફાઈલ કર્યા હતા. નાણાંકીય વર્ષ 2023માં કંપની લાઈફસ્ટાઈલ અને ક્રોનિક સેગમેન્ટમાં તેની સ્થિતિ મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહી છે.
સપ્ટેમ્બર, 2021માં કંપનીએ સેફોલોસ્પોરિન પ્રોડ્ક્ટસ લોન્ચ કરવા માટે ગુજરાતના મહેસાણામાં પ્લાન્ટ હસ્તગત કર્યો હતો. કંપનીએ આંતરિક સ્ત્રોતથી ભંડોળનો ઉપયોગ કરીને હસ્તાંતરણ તથા બાદમાં ક્ષમતા વિસ્તરણ સહિત સેફોલોસ્પોરિન પ્લાન્ટમાં રૂ. 30 કરોડનું રોકાણ કર્યું છે.
આ પ્લાન્ટ વર્તમાન નાણાંકીય વર્ષમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરે તથા આગામી ત્રણ વર્ષમાં વેચાણમાં લગભગ રૂ. 150 કરોડનું પ્રદાન કરે તેવી શક્યતા છે. આ પ્લાન્ટમાં ટેબ્લેટ, કેપ્સ્યુલ, ડ્રાય સિરપ અને ઈન્જેક્ટેબલ્સ જેવી સેફોલોસ્પોરિન પ્રોડક્ટ્સનું ઉત્પાદન થશે.