સિવિલમાંથી દારૂની પેટીઓ મળીઃ અગાઉ ડોક્ટર દારૂ પીધેલો ઝડપાયો હતો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/03/rajkotcivil-1024x554.jpg)
પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને તે ક્યાંથી આવ્યો તે અંગે તપાસ શરુ કરી છે, CCTVના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે
રાજકોટ, જ્યાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સજા થવા માટે આવતા હોય છે ત્યાં જ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટના બની છે. સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂની પેટી મળી આવી છે. દારૂની ચારથી પાંચ પેટી મળી આવી છે.
પદ્યુમન પોલીસે આ દારૂના જથ્થાને કબજે લઈને વધુ કાર્યવાહી કરી છે, નોંધનીય છે કે અગાઉ એક ડૉક્ટર દારૂના નશામાં ફરજ પર હોવાનો કિસ્સો બન્યો હતો. તે પછી હવે સિવિલના દાદરેથી દારૂનો જથ્થો મળી આવતા હોબાળો થઈ રહ્યો છે.
પીધેલો ડૉક્ટર પકડાયા પછી હવે દારૂનો જથ્થો સિવિલ હોસ્પિટલમાંથી પકડાતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સિવિલમાં દવા મળે છે કે દારૂ? ઈમર્જન્સી વોર્ડ પાસે દારૂની પેટીઓ પકડાયા છે. સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસે જે પાણીની ટાંકી આવેલી છે ત્યાંથી પેટીઓ મળી આવી છે.
પ્રદ્યુમન પોલીસ દ્વારા દારૂનો જથ્થો કબજે કરીને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. દારૂની જે બોટલો મળી આવી છે તેની ગણતરી સહિતની માહિતી મેળવીને યોગ્ય પગલાં ભરવામાં આવશે. દારૂની ચાર જેટલી મેટી મળી આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલો ક્યાંથી આવી અને કોના દ્વારા લાવવામાં આવી હતી
તે અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાંથી તાજેતરમાં નશાની હાલતમાં સાહિલ ખોખર નામનો તબિબ ઝડપાયો હતો, જેની પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પોતાના ટેબલના ખાનામાં મૂકેલો દારૂ પણ મળી આવ્યો હતો.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે માત્ર રાજકોટના નહીં પરંતુ સૌરાષ્ટ્રમાંથી પણ દર્દીઓ અહીં આવી પહોંચે છે આવામાં વારંવાર હોસ્પિટલમાંથી દારૂ પકડાવાની ઘટના બની રહી છે તેના કારણે લોકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલી સુરક્ષાની જવાબદારી સંભળતા સ્ટાફ અને હોસ્પિટલના વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.