કઠવાડા GIDCમાંથી દારુનુ ગોડાઉન ઝડપાયુ: ૬ બુટલેગરો ઝડપાયા

પ્રતિકાત્મક
પોલીસ કમિશ્નરના ઠપકા બાદ ક્રાઈમ બ્રાંચ વધુ સક્રિય બન્યું- વહિવટદારોની શંકાસ્પદ ભુમિકા ચર્ચાનો વિષય બની છે.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઠેર- ઠેર દારુ જુગારના અડ્ડા ધમધમવા લાગ્યા હતા જેની અનેક ફરિયાદો હોવા છતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને પીસીબી કોઇ જ કડક કાર્યવાહી કરતી ન હતી. જેથી સ્ટેટ મોનિટરીંગ સેલને ફરિયાદો મળતા તેમણે રેડો કરી દારુ અને જુગારના અડ્ડા પકડી પાડી અમદાવાદ પોલીસની પોલ ખોલી નાખી હતી.
બાદમાં પોલીસ કમિશનરે ઉધડો લેતા ક્રાઇમ બ્રાંચ સફાળી જાગી છે અને નિકોલ કઠવાડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એસ્ટેટ ગોડાઉનમાંથી વિદેશી દારુનું ગોડાઉન પકડી પાડ્યું છે. સરદારનગર અને ઝોન-૪ તથા ઝોન-૫ વિસ્તારમાં દારુ પહોચડતું આ ગોડાઉન પકડી પાડ્યું છે. જોકે તેમાં પણ વહિવટદારોની શંકાસ્પદ ભુમિકા ચર્ચાનો વિષય બની છે.
આ અંગે ક્રાઇમ બ્રાંચે ૬ બુટલેગરો સામે ગુનો નોધી ૧.૮૮ લાખનો દારુ સહિત ૫,૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદમાં ગણતરીના કલાકોમાં રેડો કરી દારુ જુગાર બિન્ધાસ્ત ચાલતા હોવાના જાણે પુરાવા આપી દીધા હતા.
અમદાવાદ પોલીસ અને એજન્સીઓની પોલ ખોલી નાખી હતી. ઠેર ઠેર દારુ મળતો હોવા છતાં ઉચ્ચ અધિકારીને અંધારામાં રાખી ગેરકાયદે પ્રવૃતિઓ વહિવટદારો કરી રહ્યા હતા. આ ગેરકાયદે પ્રવૃતિઓની ફરિયાદ રાજ્યના પોલીસ વડાને વારંવાર થતાં આખરે સ્ટેટ મોનિટરીંગ સેલે સપાટો બોલાવવો પડ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના સપાટા બાદ શહેર પોલીસ કમિશનેર એક મીટીંગમાં બે ડીસીપીઓનો રીતસરનો ઉધડો લીધો હતો અને ગેરકાયદે ચાલતી પ્રવૃતિઓ પર રોક લગાવવા આદેશ કર્યા હતા.
દરમિયાનમાં ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં દારુનુ ગોડાઉન આવેલું છે અને તેમાંથી ઝોન-૪ અને ઝોન-૫ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારુનો જથ્થો સપ્લાય થઇ રહ્યો છે.