કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનોઃ PM મોદી
કોંગ્રેસ હંમેશા એસસી, એસટીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરે છેઃ રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો
સવાઈ માધોપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ચૂંટણી રેલીમાં આરોપ કર્યો હતો કે કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ અપરાધ બની જાય છે. તેમણે કોંગ્રેસ પર તીખા આરોપો કરવાનું ચાલુ રાખ્યું હતું અને કહ્યું કે કોંગ્રેસ હંમેશા એસસી, એસટીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે હું બાબા સાહેબ આંબેડકરને પૂજું છું. આ દેશમાં કોંગ્રેસ જાતિના નામે નહીં, પરંતુ ધર્મના નામે અનામત આપવા માગતી હતી.
રાજસ્થાનમાં ટોંક- સવાઈ માધોપુર ખાતે એક ચૂંટણી સભામાં મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ જે રાજ્યમાં સત્તા પર હોય ત્યાં કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસા સાંભળે તો પણ તેના પર હુમલો કરવામાં આવે છે. તેમનો ઈશારો કર્ણાટક તરફ હતો જ્યાં એક દુકાનદાર પર હનુમાન ચાલીસા સાંભળવાના મુદ્દે હુમલો થયો હતો.
તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકો કોંગ્રેસનું શાસન સહન કરી ચૂક્યા છે. આ વર્ષે રામનવમીના દિવસે પહેલી વખત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાજસ્થાન જેવા રાજ્યમાં જ્યાં લોકો રામ-રામનો મંત્રોચ્ચાર કરે છે ત્યાં કોંગ્રેસે રામનવમી પર પ્રતિબંધ મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હનુમાન જયંતિએ તમારી સાથે વાત કરતી વખતે મને એક ચિત્ર યાદ આવે છે. થોડા દિવસો અગાઉ કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં એક દુકાનદારને એટલા માટે ફટકારવામાં આવ્યો કારણ કે તે દુકાનમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળતો હતો. કોંગ્રેસની સરકારે રાજસ્થાનમાં સિરિયલ બ્લાસ્ટના આરોપીને બચાવવાનું પણ કામ કર્યું હતું. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો તે પોતાના માટે ભ્રષ્ટાચારના નવા રસ્તા શોધી લેશે. કોંગ્રેસના શાસનમાં રાજસ્થાન મહિલા વિરુદ્ધ અપરાધોમાં નંબર વન હતું. કોંગ્રેસે વિધાનસભામાં બેશરમ થઈને કહ્યું હતું કે આ તો રાજસ્થાનની ઓળખ છે. “અરે ડૂબી મરો.”
મોદીએ કહ્યું કે આપણે જ્યારે જ્યારે વિભાજિત થઈએ છીએ ત્યારે દેશના દુશ્મનો તેનો ફાયદો ઉઠાવે છે. રાજસ્થાનના લોકો સુરક્ષિત દેશ અને મજબૂત સરકારનું મહત્ત્વ સમજે છે અને તમે ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપની મજબૂત સરકારને મત આપ્યો છે. તમે રાજસ્થાનમાં તમામ ૨૫ બેઠકો ભાજપને આપી છે. રાજસ્થાનમાં એકતા એ સંપત્તિ છે. આપણે જ્યારે જ્યારે વિભાજિત થયા છીએ ત્યારે દુશ્મનોએ તેનો ફાયદો લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસ સામે આક્રમક આરોપો મૂકી રહ્યા છે. તાજેતરમાં તેમણે કોંગ્રેસના ચૂંટણીઢંઢેરાને નિશાન બનાવીને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તા પર આવશે તો બધાની સંપત્તિ એકઠી કરીને વધુ બાળકો પેદા કરનારા સમુદાયમાં, ઘૂસપેઠીયાઓમાં વહેંચી દેશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ૨-૩ દિવસ પહેલા મેં કોંગ્રેસની આ વોટ બેન્ક અને તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ કર્યો હતો. આનાથી કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમ એટલી નારાજ થઈ ગઈ છે કે તેઓ દરેક જગ્યાએ મારી સાથે દુર્વ્યવહાર કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ વોટબેન્કની રાજનીતિમાં એટલી ડૂબી ગઈ છે કે તેને બાબા સાહેબના બંધારણની પણ પરવા નથી.
કોંગ્રેસના ઢંઢેરામાં લખવામાં આવ્યું છે કે અમે તમારી મિલકતનો સર્વે કરીશું, અમારી માતા-બહેનો પાસે જે મંગલસૂત્ર છે તેનો સર્વે કરીશું. ત્યારે તેમના એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે એક્સ-રે કરાવવામાં આવશે. પીએમએ કહ્યું કે વર્ષ ૨૦૧૧માં કોંગ્રેસે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો.
એસસી/એસટી અને ઓબીસીને આપવામાં આવેલા અધિકારો છીનવીને, તેઓએ વોટ બેંકની રાજનીતિ માટે અન્યને આપવાની રમત રમી હતી. કોંગ્રેસે આ બધું બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ હોવાનું જાણતી હોવા છતાં અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોંગ્રેસને બંધારણની પરવા નહોતી.
પીએમએ કહ્યું કે સત્ય એ છે કે જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સત્તામાં હતું ત્યારે તેઓ દલિતો અને પછાત વર્ગોના અનામતમાં કાપ મુકીને તેમની વિશેષ વોટ બેન્ક માટે અલગ અનામત આપવા માંગતા હતા. જ્યારે બંધારણ તેની વિરુદ્ધમાં છે. અનામતનો જે અધિકાર બાબા સાહેબે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપ્યો હતો કોંગ્રેસ અને તેનું ગઠબંધન તેને ધર્મના આધારે મુસ્લિમોને આપવા માંગતા હતા.