Western Times News

Gujarati News

જિંદગી પ્રેમથી વિતાવી લો

હસતા રહો, હસાવતા રહો, ચાર દિવસની જિંદગાની છે, કાલની કોને ખબર છે, કે આપણે પાછા મળશું કે નહિ?

પ્રેમ શબ્દ એટલો પ્રેમાળ છે કે જેની અભિવ્યક્તિમાં પણ હેત ઉભરાય છે. અઢી અક્ષરમાંથી ઉત્પન થયેલો શબ્દ પ્રેમ, પરંતુ આ શબ્દમાં કેટકેટલી અગાધ શક્તિ વણાયેલી હોય છે કે પ્રેમાળ વ્યક્તિ કોઈને પણ પોતાના તરફ આકર્ષીને પોતાનો બનાવી દે છે. પ્રેમ હશે ત્યાં અવશ્ય સુખ રહેવાનું જ. પ્રેમથી બોલાવીએ તો સામેની વ્યક્તિ આપોઆપ આદર આપશે. પ્રેમથી કોઈને પણ જીતી શકાય છે. અલબત્ત જાે આપણે દુશ્મન જાેડે પણ પ્રેમથી વ્યવહાર કરીએ તો તેને પણ જીતી શકાય છે. જ્યારે બળથી જીતી શકાતું નથી ત્યારે કળથી જીતી લેવાય છે, પરંતુ જ્યારે બળથી કે કળથી જીતી ન શકાય ત્યારે પ્રેમ એક એવી શક્તિ છે જેનાથી ભલભલાને જીતી શકાય છે.

નદીરૂપી પ્રેમનાં ઘણાં વહેણો વહેતા હોય છે. જ્યાં જુઓ ત્યાં હેત જ વરતાય છે. ભાતૃપ્રેમમાં ભાઈ-ભાઈનો પ્રેમ, દેશપ્રેમમાં દેશ માટેની દાઝ, માતૃપ્રેમમાં માતા પ્રત્યેની લાગણી, પિતૃપ્રેમમાં પિતા માટેનો આદર, કૌટુંબિક પ્રેમમાં કુટુંબ માટેની ભાવના, ભાઈ-બેનનાં પ્રેમમાં અરસપરસનો હેત, પતિ પત્ની વચ્ચેના પ્રેમમાં અરસપરસનો સ્નેહ તો પ્રેમીઓ વચ્ચેનાં પ્યારમાંવિજાતિય આકર્ષણ સમાયેલું છે. આટઆટલાં વિવિધ પ્રેમમાં સ્નેહનો ભંડાર છલકાયેલો છે.

પ્રેમમાં જાે નિસ્વાર્થ વૃતિ ભળેલી હશે તો એ પ્રેમ અતૂટ તથા અમર જ રહેવાનો પરંતુ જ્યારે પ્રેમમાં સ્વાર્થ વૃત્તિની મિલાવટ થતાં જ કાચના વાસણો તૂટતા ચૂર ચૂર થઈ જાય છે તેમ લાગણી દુભાઈ જાય છે અને ભાવના પડી ભાંગે છે. નિસ્વાર્થ પ્રેમ આત્મા વચ્ચેનું અંતર નજદીક લાવે છે તથા એકમેય બનાવી દે છે તથા અરસપરસ માટે રહેલા વિશ્વાસમાં વધારો થાય છે. માલિક નોકરને પ્યારથી બોલાવશે તો નોકર પણ દિલથી વધું સારું કામ આપશે. વેપારી ગ્રાહક જાેડે સારો વ્યવહાર કરશે તો વેપારમાં વૃદ્ધિ અવશ્ય થશે.

*’Just smile, you win half the game’* સ્મિત રાખવાથી અડધી રમત જીતી જવાય છે. બાકીની રમતમાં જીત તો માલની ગુણવત્તા પર રહેતી હોય છે. સારી રીતે વર્તતા લોકોનાં દિલ પણ જીતી શકાય છે એટલું જ નહિ વનસ્પતિને પણ પ્રેમથી ઉછેરીયે તો એ વધું ઝડપથી વૃદ્ધિ પામે છે. કૂતરાને પ્રેમથી બોલાવતા તે પણ પૂંછડી પટપટાવશે. કોઈ પણ જીવ પ્રેમનો ભૂખ્યો હોય છે. પ્રેમથી હૂંફ મળતા પોતાને રાહત થઈ જાય છે.

નવજાત શિશુ જન્મતાની સાથે માતા પોતાના વ્હાલા બાળકનું જતન કરતાં હેત વરસાવી રહે છે અને સમયનાં વહાણા વિતતા તે બાળક મટી મોટો થાય ત્યારે તેના પર દુઃખ આવી પડતાં પહેલો શબ્દ મોમાંથી બહાર સરી પડે છે ઓય… મા…ઓ માડી… રે નાના બાળકથી માંડીને કોઈ પણ પ્રૌઢ વ્યક્તિને આવકારતા તેના દિલમાં પ્રસન્નતા છવાઈ જાય છે. આ માનવસહજ સ્વભાવ છે કે કોઈ એને વહાલથી બોલાવે. વાસનાથી શરીરની ભૂખ મિટાવી શકાય છે જ્યારે પ્રેમથી આત્માની તરસ છીપાય છે.

કોઈ પણ કામ કરાવવા પ્રેમરૂપી સહકારની જરૂર પડે છે. આ જમાનામાં નાનામાં નાના માણસને પણ સ્વમાનની પડી હોય છે. જ્યાં કોઈનું સ્વમાન નહિ જળવાય ત્યાં પોતાનું અપમાન જ થશે. પ્રેમથી સ્વમાનની ભૂખ મિટાવી શકાય છે. એવી રીતે પ્રેમ લાગણીથી સંકળાયેલો હોય છે. પ્રેમ અને લાગણી સાથે જ રહે છે. પ્રેમની એક વિશેષતા એ છે કે કોઈની પણ ભૂલનો ક્યારેય દસ્તાવેજ રાખતો નથી. વર્ષો પહેલાં ઘરનાં તમામ સભ્યોના સમૂહભોજનની વ્યવસ્થા પ્રેમનો સૂચક હતો. જે પ્રણાલિકા આજે લગભગ તૂટી ગઈ છે.

પ્રેમથી લોકો જાેડે વ્યવહાર કરતાં પોતાના તન, મન તથા ધન પર સારી અસર રહે છે. પ્રેમરૂપી દવાથી વિવિધ જાતનાં રોગ પર કાબૂ મેળવી શકાય તથા કજિયા – કંકાસથી પણ દૂર રહેવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. તો જિંદગી પ્રેમથી વિતાવી લો, કરશે યાદ લોકો મુજને, જીવન બાદ હતો એ હસતો, રમતો, લોકોને હસાવતો શ્રેણુ….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.