ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારુના કારણે જ લીવરના દર્દીઓ વધ્યા
અમદાવાદ, ગુજરાતની ગણતરી ડ્રાય સ્ટેટમાં થાય છે પરંતુ હાલમાં જ લીવર ટ્રાન્સપ્લાન્ટના જે આંકડા આવ્યા છે તે જાેયા પછી પ્રશ્ન થાય કે શું ગાંધીના ગુજરાતમાં ખરેખર દારુબંધી છે? રાજ્યમાં ૩૦થી ૪૦ ટકા અથવા એક તૃતીયાંશ લીવર ટ્રાન્સપ્લાન્ટ દારુ સંબંધિત તકલીફોને કારણે થયેલા છે. ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના વાઈસ ચાન્સેલર અને લીવર ટ્રાન્સપ્લાન્ટના હેડ ડૉ. પ્રાંજલ મોદીએ કહ્યું કે, તેમણે હાલમાં જ ૬૦૦મું લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. Liver patients increased due to alcohol in dry state Gujarat
લીવરમાં સિરોસિસ દારુના લીધે થાય છે કે પછી નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટિસના લીધે થાય છે તેનું કોઈ ચોક્કસ વર્ગીકરણ નથી કરવામાં આવ્યું. પરંતુ ૭૦થી ૭૫ ટકા કેસોમાં આ બે કારણોસર જ લીવર ફેઈલ થઈ જાય છે. બાકીના કેસ વાયરલ અને ચેપી રોગો તેમજ હેપેટાઈટિસ જેવી સ્થિતિને લીધે થાય છે”, તેમ ડૉ. મોદીએ ઉમેર્યું.
આગળ વધતા પહેલા એ સમજી લઈ કે, સિરોસિસ અને સ્ટીટોહેપેટાઈટિસ શું છે. લીવરને નુકસાન થાય ત્યારે તેના પ્રથમ તબક્કાને ફાયબ્રોસીસ કહેવામાં આવે છે. યકૃતના ફાયબ્રોસીસમાં તેની તંદુરસ્ત પેશીઓ પર ડાઘ બને છે. આ સ્થિતિમાં લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. ઈજાગ્રસ્ત પેશીઓ યકૃતની અંદર રક્તપ્રવાહને અવરોધો છે. જેથી લીવરના સ્વસ્થ કોષોને નુકસાન થવા લાગે છે. ફાયબ્રોસિસ પછી લીવરને વધુ નુકસાન થયું હોય તો આ સ્થિતિને લીવર સિરોસિસ કહેવાય છે.
ફેટી લીવર એટલે કે લીવરની ઉપર ચરબી જમા થઈ જવી તે. જે લોકો દારુ નથી પીતા પરંતુ વધુ પડતું તેલ-મસાલાવાળો ખોરાક ખાય છે, વધુ વજન ધરાવે છે તેમને નોન-ફેટી લીવર ડિસીઝ થાય છે. આ ડિસીઝના એડવાન્સ સ્ટેજને સ્ટીટોહેપેટાઈટિસ કહેવામાં આવે છે. બીમારીઓ વ્યક્તિઓમાં ભેદભાવ નથી કરતી તે કોઈને પણ થઈ શકે છે.
લીવર ફેઈલ થવાની સ્થિતિનું પણ એવું જ છે વ્યક્તિ ગમે-તે વર્ગનો કેમ ના હોય તે આ સ્થિતિમાં મૂકાઈ શકે છે. એમાં પણ પુરુષોમાં લીવર ફેઈલ થવાનું જાેખમ વધુ રહેલું છે, તેમ ડૉ. મોદીએ ઉમેર્યું. ૬૦૦ લીવર ટ્રાન્સપ્લાન્ટમાંથી ૫૩૨ લીવર ટ્રાન્સપ્લાન્ટ મૃત વ્યક્તિના અંગદાન થકી પ્રાપ્ત થયેલા લીવરથી કરવામાં આવ્યા છે.
સરકારી સંસ્થા સંચાલિત પ્રોગ્રામ હેઠળ સૌથી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ આ રીતે થાય છે, તેમ ડૉ. મોદીએ વાત આગળ વધારતા કહ્યું હતું. ડેટા દર્શાવે છે કે, લીવરની બીમારીથી પીડાતા દર્દીઓની ઉંમર એક-એક દશકો ઘટી રહી છે. હાલ સિરોસિસના કારણે દાખલ થતાં દર્દીઓની સરેરાશ ઉંમર ૪૦-૪૫ની છે જ્યારે નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટિસની સમસ્યા ૫૦ વર્ષની વયના લોકોમાં જાેવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ કુલ ટ્રાન્સપ્લાન્ટના ૫૭ ટકા જેટલા ટ્રાન્સપ્લાન્ટ થયા છે.
ડેટા પ્રમાણે, ફક્ત ૨૦૨૨માં જ ૧૮૬ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરતાં સર્જનો અને હેપેટોલોજીસ્ટે દારુના લીધે થતી લીવરની બીમારી પર ભાર આપ્યો છે. શહેરના સિનિયર ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ (પેટ અને આંતરડાના ડૉક્ટર) અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. હિતેશ ચાવડાનું કહેવું છે કે, તેમણે અને તેમની ટીમે અત્યાર સુધીમાં ૩૩ લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. “ગુજરાતમાં લીવર ફેઈલ થવા પાછળ દારુનું સેવન અને નબળી જીવનશૈલી બંને સમાન રીતે જવાબદાર છે.
કુલ કેસોમાં આ બંનેનો ફાળો ૬૦થી૭૦ ટકા જેટલો છે. જ્યારે બાકીના કેસ હેપેટાઈટિસ, ટ્યૂમર અને અન્ય કારણોસર જાેવા મળ્યા છે”, તેમ ડૉ. ચાવડાએ વધુમાં કહ્યું. શહેરના હેપેટોબિલિયરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ભાવિન વસાવડાનું કહેવું છે કે, ટ્રાન્સપ્લાન્ટ ના કરવું પડ્યું હોય તેવા કિસ્સાઓમાં તાજાે કિસ્સો ૨૮ વર્ષના યુવકનો આવ્યો હતો. “આ દર્દીને આલ્કોહોલિક હેપેટાઈટિસ હોવાનું નિદાન થયું હતું. તેને કમળાની શરૂઆત થઈ હતી અને ઈન્ફ્લેમેશન પણ થયેલું હતું.
તેના કેસની હિસ્ટ્રી જાેતાં માલૂમ થયું કે, એકાએક વધારે પડતા દારુના સેવને તેને આઈસીયુમાં પહોંચાડ્યો હતો. સદ્નસીબે તેનું લીવર ફેઈલ નહોતું થયું. જાેકે, આ કિસ્સા પરથી શીખવાની વાત તો એ જ છે કે, જાે વ્યક્તિ વધારે પડતો દારુ રીવે તો તેના બિલિરુબિનના સ્તરને ગંભીર અસર થાય છે અને લાંબા સમયથી થયેલી લીવરની બીમારી ના હોવા છતાં તેને આઈસીયુમાં દાખલ કરવો પડે છે”, તેમ ડૉ. વસાવડાએ જણાવ્યું. ડૉ. વસાવડાએ મેટાબોલિઝમ સાથે સંકળાયેલા સ્ટીટોસિસ લીવર ડિસીઝ અંગે પણ ધ્યાન દોર્યું હતું.
તેમણે કહ્યું, “જાે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થવાની કે હાયપરટેન્શન હોવાની સંભાવના હોય તો તેને પણ લીવરની તકલીફ થવાનું જાેખમ રહેલું છે. આ રોગ થવામાં વર્ષો લાગી જતાં હોય છે ત્યારે સૌથી સરળ ઉપાય એ જ છે કે, લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવીને શરૂઆત થઈ રહી હોય ત્યારે જ તેને નાથવો.
નામના આપવાની શરતે શહેરના એક લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જને જણાવ્યું કે, કોઈ વ્યક્તિ ક્યારેક-ક્યારેક જ દારુનું સેવન કરતું હોય પરંત તે એકાએક પીવાનું વધારી દે ત્યારે લીવર તેની સાથે અનુકૂલન નથી સાધી શકતું અને બગડી જાય છે. હજી પણ દારુ પીવાની વાત લોકો ખુલીને કરતાં ખચકાય છે અને દર્દીઓને પણ પૂછવામાં આવે ત્યારે તો ખચકાટ સાથે જ પીધું હોવાનું સ્વીકારે છે. દારુ અને ખરાબ જીવનશૈલીનું કોમ્બિનેશન કેટલાય દર્દીઓમાં જાેવા મળ્યું છે.
શહેરના હેપેટોલોજીસ્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. પ્રતીક પરીખનું કહેવું છે કે, રાજ્યમાં ફેટી લીવર અને દારુના સેવન બંને કારણોસર લીવરમાં ખામી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે. “અમારી પ્રેક્ટિસ દરમિયાન આવેલા કુલ દર્દીઓમાંથી ૭૫ ટકા દર્દીઓ આવા હોય છે. આલ્કોહોલનું સેવન વધ્યું છે અને ક્રોનિક લીવર ડિસીઝ ધરાવતાં દર્દીઓ કરતાં આવા દર્દીઓ નાની વયના હોય છે”, તેમ ડૉ. પરીખે ઉમેર્યું હતું.SS1MS