Western Times News

Gujarati News

એલ. જે. યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પર સેમિનાર યોજાયો

ઇન્ટર્નશિપ તકો તેમજ રોજગારની તકોના વ્યાપક અવકાશને કેન્દ્રમાં રાખીને સેમીનારનું આયોજન કરાયું

યોજનાના ઉદ્દેશ્યો, પાત્રતા, માપદંડોની વિસ્તૃત માહિતી તથા ઇન્ટર્નશિપ અરજી કરવાની પ્રક્રિયાની સમજૂતી અપાઈ

સેમિનાર એ વિધાર્થીઓ , પ્રોફેસરો તથા રોજગાર શાખાના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ

અમદાવાદ,  એલ.જે.યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પર સેમિનાર યોજાયો હતો. જેનું આયોજન સહાયક નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યોજના હેઠળ ઉપલબ્ધ ઇન્ટર્નશિપ તકો તેમજ રોજગારની તકોના વ્યાપક અવકાશ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં એલ.જે. યુનિવર્સિટીના લાભાર્થી વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને યોજનાના ફાયદાઓ સમજાવવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં વ્યવહારુ અનુભવ મેળવવામાં યોજના તેમને કેવી રીતે મદદરૂપ નીવડી શકે છે, જેનાથી તેમની રોજગાર ક્ષમતામાં વધારો થાય છે તે અંગે સમજ આપવાનો હતો.

સેમિનાર દરમિયાન, વક્તાઓએ ઇન્ટર્નશિપ યોજનાની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં તેના ઉદ્દેશ્યો, પાત્રતા, માપદંડો અને ઇન્ટર્નશિપ માટે અરજી કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના એ યુવાનોને વિવિધ ઉદ્યોગો સાથે કામ કરવાની તક આપે છે, જેનાથી તેઓ કાર્યના વાતાવરણને સમજી શકે છે અને મૂલ્યવાન વ્યવહારુ અનુભવ મેળવી શકે છે. તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં વર્તમાન રોજગાર પરિદૃશ્ય તથા વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો અને ઇન્ટર્નશીપ રોજગાર માટે સેતુ તરીકે કેવી રીતે કામ કરી શકે છે તેના પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથેજ વિદ્યાર્થીઓએ સંબંધિત કૌશલ્યો મેળવી ઇન્ટર્નશીપ તથા નોકરી તાલીમ જેવા કાર્યક્રમોમાં ભાગ લઈને તેમની રોજગારક્ષમતા કેવી રીતે વધારવી તે અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એકંદરે, આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અને વ્યાપક રોજગાર બજાર હેઠળ ઇન્ટર્નશિપની તકો વિશે વધુ જાણકારી મેળવવા તેમજ એલ.જે. યુનિવર્સિટીના પ્રોફેસરો, અધિકારીઓ તથા રોજગાર શાખાના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ સાબિત થયો હતો.

આ સેમિનારમાં રોજગાર કચેરીના અધિકારીઓ તેમજ એલજી યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.