દાહોદમાં એક જ રાતમાં 8 મકાનોના તાળા તૂટ્યા

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ શહેરના મંડાવાવ રોડ પર આવેલ અક્ષર એપાર્ટમેન્ટમાં તથા રાધે રેસીડેન્સી સહિત કુલ સાત થી આઠ જેટલા મકાનોને મોડીરાતે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. અને મકાનોના દરવાજા ના તાળા નકુચા સાથે તોડી મકાનમાં પ્રવેશ્યા હતા.
તે પૈકી એક મકાનમાં સર સામાન વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી અંદાજે દોઢ થી બે લાખની મતા ચોરી ગયાનું ઘરધણીએ જણાવ્યું છે. જ્યારે બાકીના મકાનોમાં પણ નાની મોટી ચોરી કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે. ત્યારે ચોરી કરવા આવેલ તસ્કરો એપાર્ટમેન્ટમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
એક જ રાતમાં પોશ વિસ્તાર મનાતા શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આઠ જેટલા મકાનોના તાળા એક જ રાતમાં તૂટતા નગરજનોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે જ્યારે તસ્કરોએ એક સાથે આઠ જેટલા મકાનોના તાળા તોડી હાથફેરો કરી પોલીસના સઘન રાત્રી પેટ્રોલિંગ સામે અનેક પ્રશ્નાર્થ ખડા કર્યા છે.
હાલ દાહોદ શહેર પોલીસનું રાત્રી પેટ્રોલિંગ ખરેખર સઘન હોવા છતાં દાહોદમાં બાઇક ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાેવા મળી રહી છે. તે વાહન ધારકો અને પોલીસ તંત્ર માટે ખરેખર ચિંતા નો વિષય થઈ પડ્યો છે.
તેવા સમયે ગત મોડી રાતે ઘર ફોડ ચોરી કરવાના મક્કમ ઇરાદા સાથે દાહોદ શહેરમાં પ્રવેશેલા તસ્કરોએ શહેરના મંડાવાવ રોડ પર સરસ્વતી સ્કૂલ પાસે આવેલ અક્ષર એપાર્ટમેન્ટ એક અને બે ને ટાર્ગેટ બનાવવાનું નક્કી કરી તેમાં ના પાંચેક જેટલા મકાનોના તાળા તોડી તસ્કરો તે મકાનોમાં પ્રવેશ્યા હતા.
તે પાંચ મકાનો પૈકી અક્ષર એકમાં બી વિગમાં ત્રીજા માળે મકાન નંબર ૩૦૫ માં રહેતા પંકજકુમાર જયંતીલાલ નાયટા લીમડી ખાતે રહેતા પોતાના પિતાની તબિયત નાદુરસ્ત હોઈ તેઓ પોતાના મકાનના દરવાજે તાળું મારી લીમડી ગયા હતા. વહેલી સવારે તેમની પડોશમાં રહેતા વ્યક્તિએ ફોન કરી તેમના ફ્લેટમાં ચોરી થઈ હોવાનું જણાવતા પંકજકુમાર નાયટા સવારમાં જ દાહોદ દોડી આવ્યા હતા.
અને તેઓનું કહેવું છે કે તસ્કરો ઘરના કબાટ તિજાેરી માનો સર સામાન વેરવિખેર કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી દોઢથી બે લાખની મતા ચોરી ગયા હોવાનું જણાયું છે. હજી તેમના છોકરા આવી તપાસ કરશે ત્યારે વધુ કેટલું ચોરાયું તે ખબર પડશે તેમ જણાવ્યું હતું.
જ્યારે બાકીના મકાનોમાંથી પણ તસ્કરોએ ઓછી વધતી મતાનો હાથફેરો કર્યાનું જાણવા મળ્યું છે. ચોરી કરવા આવેલા તસ્કરો અક્ષર રેસીડેન્સીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ દાહોદ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
અને સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજ મેળવી લીધા હતા. અને તે ફૂટેજને આધારે તપાસનો દોર આગળ વધારી તસ્કરોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે બીજી તરફ ટાઉન એ ડિવિઝન પોલીસ આ ઘટનાની ફરિયાદ નોંધવાની તજવીજમાં જાેતરાઈ છે.