મુખ્યમંત્રી આકરુ ગામે ‘વિરાસત – લોક કલા સંગ્રહાલય’ને ખુલ્લું મૂક્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના રૂ.246 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રીશ્રી ધંધુકા સ્થિત ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થળ‘ની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવાર તા.17 નવેમ્બરના રોજ ધંધુકા વિધાનસભા વિસ્તારમાં વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપવા પધાર્યા હતા ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ તથા ગૃહ વિભાગના અંદાજે રૂ.246 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આકરુ ગામે પદ્મશ્રીથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત-લોક કલા સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કરવાના છે, સાથે સાથે ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ‘શ્રી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થળ’ની પણ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસના જે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે, તેમાં માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, પંચાયત ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આઈસીડીએસ વિભાગનાં વિવિધ કામોનો સમાવેશ થયો હતો.
આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી તથા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે અને જિલ્લા-તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.