અડધા લંડન પર ભારતીયોનો કબજો ? સોશીયલ મીડિયા પર ઉત્સવ જેવું વાતાવરણ
બ્રિટનના ટોચના ડેવલપર બેરેટના લંડનનાં રીપોર્ટે સોશીયલ મીડીયા પર હલચલ મચાવી
(એજન્સી)નવીદિલ્હી, સોશીયલ મીડીયા પર હાલમાં એક રીપોર્ટ ઝડપથી વાઈરલ થઈ રહયો છે. જેમાં કહેવામાં આવ્યું છેકે વિશ્વના સૌથી મોટા શહેરોમાના એક લંડનમાં હવે અંગ્રેજો કરતાં વધારે પ્રોપર્ટી ભારતીયોની પાસે છે. આ દાવા સાથે લોકો ભાતભાતની વાતો કહી રહયા છે. ભારતીય યુઝર્સમાં ઉત્સવનો માહોલ છે. લંડન એ બ્રીટનની રાજધાની છે. કે જેણે ૧૯૪૭માં આઝાદી પહેલાં લગભગ ર૦૦ વર્ષ ભારત પર રાજ કર્યું હતું. તેને કારણે જ લોકો આ રીપોર્ટને રીવર્સ કોલોનીયલીઝમ સાથે પણ જોડી રહયા છે.
બ્રિટનના ટોચના ડેવલપર્સમાના એક બેરેટ લંડનએ રીઅલ એસ્ટેટને લઈને લગભગ એક મહીના અગાઉ એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ રીપોર્ટમાં પહેલીવાર એ બાબત સામે આવી હતી કે બ્રિટનમાં પાટનગર લંડનના પ્રોપર્ટી માર્કેટમાં ભારતીયોએ પ્રભુત્વની સ્થિતી મેળવી લીધી છે. લંડનમાં રીઅલ એસ્ટેટના મામલે ભારતીય લોકો અંગ્રેજો કરતાં આગળ નીકળી ગયાં છે. અને પ્રોપર્ટીના સ્વામીત્વને મામલે પહેલા સ્થાન પર છે.
રીપોર્ટ જણાવે છે. કે બ્રિટનના પાટનગરમાં પ્રોપર્ટી ધરાવતા ભારતીયો એવા છે કે જે પેઢીઓથી લંડનમાં વસવાટ કરે છે. સૌથી વધારે પ્રોપર્ટી આ ભારતીયો પાસે જ છે. તેના પછી નોન-રજીસ્ટર્ડ ભારતીય બ્રિટનની બહાર રહેતાં ઈન્વેસ્ટર્સ તથા અભ્યાસ માટે બ્રિટન પહોચેલા ભારતીય વિધાર્થીઓનો ક્રમ આવે છે. ભારતીયો પછી બીજા ક્રમે સ્થાનીક બ્રહિટીશર્સ આવે છે. જયારે પડોશી દેશ પાકિસ્તાનનો ત્રીજો ક્રમ આવે છે.