આવતીકાલે ભગવાન જગન્નાથની ૧૪૬મી ભવ્ય રથયાત્રા નીકળશે
અમદાવાદ, આવતીકાલે યોજાનારી અમદાવાદની ૧૪૬મી રથયાત્રાને લઇને પ્રશાસન સુસજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ.
પોલીસે યાત્રાના ૨૨ કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથજીની યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા ૨૫ વોચ ટાવર પર પોલીસ તહેનાત રહેશે.
અમદાવાદમાં રથયાત્રાના રુટ સહિતના વિસ્તારોમાં ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ ખડેપગે રહેશે અને ૧૫ હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જાેઈને બેસ્યા હતા, તે ઘડી હવે આવી ચૂકી છે. અષાઢી બીજના દિવસે નાથની રંગેચંગે રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ બહેન સુભદ્રા અને ભાઇ બલરામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ સાધુ સંતો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..જયાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલે સાધુ-સંતોને વસ્ત્રદાન અર્પણ કર્યું. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી.
ભગવાનની રથયાત્રાને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં પણ તેમના લાડલા ત્રણેય ભાણેજને આવકારવા માટે મંદિર સંચાલકો દ્વારા તૈયારીઓેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગ પણ રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ સાથે સજ્જ છે. સરસપુરમાં ભગવાનના ભક્તોને આવકારવા માટે વિવિધ પોળમાં, ભાવિક ભક્તોને ભોજન આપવા અને પ્રસાદ બનાવવા માટે દર વખતેની જેમ આ વખતે પણ રસોડા ધમધમતા થયા છે.
ભાવિ ભક્તોને પુરતી પ્રસાદી મળી રહે તે માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. તેમાં પણ મોસાળના મંદિર પાસે આવેલ લુહાર શેરીમાં સરસપુરનું સૌથી મોટું રસોડું છેલ્લા ૪૬ વર્ષથી કાર્યરત છે. જ્યાં વિવિધ વાનગીઓ બનાવાઈ રહી છે. જે પ્રસાદી સ્વરૂપે રથયાત્રાના દિવસે લોકોને આપવામાં આવશે. એક અંદાજ પ્રમાણે સરસપુર ખાતે દોઢ લાખની આસપાસ હરિભક્તો ઉમટતા હોય છે.SS1MS