Western Times News

Gujarati News

ભગવાન રામે સેતુબંધ બાંધતાં પહેલાં આ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું

પરંતુ શિવલિંગ ક્યાંથી લાવવું? ભગવાન શિવનું રહેઠાણ કૈલાશ છે અને ત્યાં જઇ ભગવાન શિવજીનું શિવલિંગ લાવવા હનુમાનજીને જવાબદારી સોંપવામાં આવે છે. આ કાર્ય માટે ઉત્સાહમાં આવી હનુમાનજી દોડ્‌યા ખરા પણ ઉતાવળમાં તેમને પુરૂ સાંભળ્યું નહી અને તેઓ એમ સમજ્યા કે ભગવાન શ્રીરામે કહ્યું છે કે ભગવાન શિવજી પાસેથી શિવલિંગ લઇ આવો..! અને…..

હિન્દૂઓના પવિત્ર માસ એવા શ્રાવણ મહિનામાં દેવાના દેવ મહાદેવને શ્રદ્ધાપૂર્ણ રીતે પૂજવામાં આવે છે.મહાદેવ આદિ દેવ છે તે અજન્મા અનંત છે.તેમના વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે તો ચાલો આ શ્રાવણ મહિનામાં જાણીએ શિવજીના બાર જ્યોર્તિલિંગોમાંથી રામેશ્વરમ જ્યોર્તિલિંગ વિશે રામેશ્વરમ જ્યોર્તિલિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે.આ તીર્થ હિંદુઓના મહત્વના તીર્થધામોમાંનું એક છે.

ચારધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે એને રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે.રામેશ્વરમ જ્યોર્તિલિંગ ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગોમાંથી એક છે.રામેશ્વર મંદિર એક તરફ હિંદ મહાસાગર અને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌદર્ય પણ આકર્ષક છે.રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરૂલમિગુ રામનાથસ્વામી મંદિર છે

જે ટુંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે.બારમી સદીમાં બંધાયેલા આ મંદિરમાં અનેક વખત સુધારા વધારા કરવામાં આવ્યાં.અંદાજે પચાસ હજારની વસ્તી ધરાવતા રામેશ્વરમ ગામ માટે રામનાથસ્વામી મંદિર જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે.

અત્યંત પૌરાણિક આ મંદિરની ઈ.સ.૧૪૧૪માં પુનઃરચના કરવામાં આવી હતી.રામેશ્વરમ મંદિરની અંદર ૧૨૧૨ પિલર આવેલા છે તેમજ મંદિરનો વિસ્તાર બહુ મોટો છે.એક અંદાજ પ્રમાણે મંદિરનો વિસ્તાર પંદર એકર છે.રામેશ્વરમ મંદિરની અંદર બાવીસ કુંડ છે જેમાં પવિત્ર પાણી છે.એમાં સ્નાન કર્યા બાદ શિવલિંગનાં દર્શન કરવાં અત્યંત શુભ માનવામાં આવે છે.

મંદિરના બાવીસ કુંડમાંથી સૌથી પવિત્ર કુંડ અગ્નિર્તીથમ કુંડ છે જેમાં યજ્ઞ કરતા પહેલાં ભગવાન શ્રીરામે અહીં સ્નાન કર્યું હતું. આ મંદિર દાયકાઓ અગાઉ માત્ર ચાર દીવાલો અને છતની સાથે ઊભું હતું પરંતુ બારમી સદી બાદ આ મંદિરનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતમાં જેટલાં પણ મંદિરો આવેલાં છે એના કરતાં સૌથી લાંબો કારિડોર આ મંદિર ધરાવે છે.

રામેશ્વરમ જ્યોર્તિલિંગ સ્થાપિત કરવા સબંધી પૌરાણિક ઘટના એવી છે કે ભગવાન શ્રી રામે પોતાની પત્ની દેવીસીતાને રાક્ષસરાજ રાવણની કેદથી મુક્ત કરવા માટે જે સમયે લંકા પર ચડાઈ કરી હતી એ સમયે યુદ્ધ પહેલાં વિજયનો આશીર્વાદ મેળવવા અને સેતુબંધ બાંધતાં પહેલાં આ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરવાનું નક્કી કર્યું પરંતુ શિવલિંગ ક્યાંથી લાવવું?

ભગવાન શિવનું રહેઠાણ કૈલાશ છે અને ત્યાં જઇ ભગવાન શિવજીનું શિવલિંગ લાવવા હનુમાનજીને જવાબદારી સોંપવામાં આવે છે.આ કાર્ય માટે ઉત્સાહમાં આવી હનુમાનજી દોડ્‌યા ખરા પણ ઉતાવળમાં તેમને પુરૂ સાંભળ્યું નહી અને તેઓ એમ સમજ્યા કે ભગવાન શ્રીરામે કહ્યું છે કે ભગવાન શિવજી પાસેથી શિવલિંગ લઇ આવો..!

હનુમાનજી કૈલાશમાં આવે છે પણ ક્યાંય શિવજી દેખાતા નથી. એમના મનમાં એ વાત ઘુસી ગઇ હતી કે પ્રત્યક્ષ શિવજીના હાથે આપેલું શિવલિંગ લઇ જવાનું છે.હનુમાને ભગવાન શિવને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી અને તેમના કર્મયોગથી ભગવાન શિવે તેમને દર્શન આપ્યા ત્યારે હનુમાનજીએ કહ્યું કે બીજી બધી વાત પછી પહેલાં મને એક શિવલિંગ આપો અને ભગવાન શિવે પ્રસન્ન થઇ પોતાના હાથે શિવલિંગ આપ્યું.

આ તરફ હનુમાનજીની બેચૈનીથી રાહ જોવાતી હતી.નિશ્ચિંત કરેલું મુહુર્ત વીતી રહ્યું હતુ.બધા જ ચિંતામગ્ન હતા તે સમયે ઋષિઓએ આવીને કહ્યું કે પ્રભુ ! જગતજનની સીતામાતા રેતીમાંથી શિવલિંગ તૈયાર કરશે તો તેમાં પ્રચંડ શક્તિ આવીને વસી શકે છે.

જગત્માતા સીતાજીએ રેતીથી શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી હતી એ સમયથી આ જ્યોર્તિલિંગ હંમેશાં માટે અહીં સ્થાપિત થઇ ગયું તેના ઉપર પ્રભુ રામચંદ્રજી ફુલ ચઢાવવા જાય છે તે સમયે હનુમાનજી શિવજીએ પોતાના હાથે આપેલું શિવલિંગ લઇને ત્યાં આવી જાય છે.તેમને આવીને જોયું તો બીજા શિવલિંગની સ્થાપના થઇ ગઇ છે.

હનુમાનજીનો ઉત્સાહ ઓસરી જાય છે.તેમને ઘણું જ દુઃખ થાય છે.તે સમયે ભગવાન શ્રીરામે હનુમાનજીને આલિંગનમાં લઇને કહ્યું કે હનુમાનજી ! તમે મહાન કતૃત્વશાળી છો,તમે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવ પાસેથી શિવલિંગ મેળવ્યું છે તો તેની સ્થાપના તમારા હાથે જ થશે. અહીં બે શિવલિંગ છે.એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતામાતાએ સ્થાપેલું.સીતાજીએ તૈયાર કરેલ શિવલિંગની જ્યાં પ્રતિષ્ઠા કરી તેનું નામ રામેશ્વર અને હનુમાનજી ભગવાન શિવજી પાસેથી જે શિવલિંગ લાવ્યા હતા તે હનુમાનના કર્તૃત્વ પુરૂષાર્થ શ્રદ્ધા ભક્તિનું અજોડ ઉદાહરણ હતું તેનું નામ હનુમતીશ્વર રાખ્યું.

ભગવાન રામે હનુમાનને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગનાં દર્શન કર્યા બાદ જ સીતામાતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે.એ પરંપરા આજે પણ ચાલી આવે છે.રામેશ્વરમાં હનુમાન મંદિર છે જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. શિવપુરાણ પ્રમાણે અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી ત્યારબાદ શ્રીરામે વિભિષણની વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો.

આજે પણ જોવાથી રામસેતુનો કેટલોક ભાગ જોઈ શકાય છે.રામસેતુની વાત કરીએ તો આ સેતુ ધનુષકોડીથી લઈને શ્રીલંકામાં આવેલા મન્નાર ટાપુ સુધીના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં બાંધવામાં આવેલો છે.આ ૩૦ કિલોમીટરના પાણીનો વિસ્તાર અગાઉ છીછરો હતો. અહીંના પાણીનું ઊંડાણ ત્રણથી ત્રીસ ફીટનું હતું. તેમ જ વચ્ચે-વચ્ચે થોડી રેતાળ જમીન પણ હતી.

એથી પહેલાં લોકો ચાલીને આ અંતર કાપી શકતા હતા પરંતુ ૧૪મી સદીમાં આવેલા વિનાશક પૂરના લીધે આ પુલ પાણીની અંદર જતો રહ્યો છે પરંતુ હજીયે અવકાશમાંથી લેવાતી તસવીરમાં આ પુલ દેખાય છે. વિદેશીઓ આ બ્રિજને ઍડમ બ્રિજ તરીકે ઓળખાવે છે.રામસેતુનો ઉલ્લેખ રામાયણ ગ્રંથ ઉપરાંત અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.આ પુલના લીધે આ સ્થાન પરથી વહાણો પસાર થઈ શકતાં નથી એથી એને તોડી પાડવા માટે પણ ઘણા લોકોએ સૂચવ્યું હતું.

દક્ષિણ ભારતના મંદિરો તેની સ્થાપત્યકળા અને બાંધણી માટે વિખ્યાત છે.તેમાં પણ રામેશ્વરમનું રામનાથસ્વામી મંદિર તો ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે.રામનાથસ્વામી મંદિરનું પૂર્વીય ગોપુરમ્‌ ૧૭૩ ફૂટ ઊંચું છે.મદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળે છે.

આ ઉપરાંત રામેશ્વરમમાં આવેલો ટીવીનો ટાવર દેશમાંનો સૌથી ઊંચો ટાવર છે.આ ટાવર ૩૨૩ મીટર ઊંચો છે.રામેશ્વરમ શહેર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું હોમટાઉન છે, જ્યાં તેમનું ઘર અને સ્કૂલ આવેલી છે જે તમને ધનુષકોડી જતાં રસ્તામાં જોવા મળશે.વિમાન માર્ગે આવવામાં મદુરાઈનું એરપોર્ટ સૌથી નજીક પડે છે તો ટ્રેન માર્ગ માટે પણ મદુરાઈ રેલવે સ્ટેશન જ સૌથી નજીક છે.વાયા ચેન્નઈ થઈને આવવા માગતા પ્રવાસીઓ ચેન્નઈથી મંડપમ રેલવે સર્વિસનો ઉપયોગ કરી શકે છે જે રામેશ્વરમની એકદમ નજીક છે.

સ્વામી વિવેકાનંદ ઈ.સ.૧૮૮૭માં રામેશ્વરમની મુલાકાતે આવ્યા હતાં.પ્રેમમાં જ ધર્મ સમાયેલો છે. શુદ્ધ અને સાચા મનથી કરેલ પ્રેમ મહત્વનો છે.માનવી તન અને મનથી શુદ્ધ હોય તે જરૂરી છે, અન્યથા તે કોઈપણ તીર્થધામની યાત્રા કરે તેનો કોઈ જ અર્થ નથી.આ વાક્યો સ્વામી વિવેકાનંદે આ સ્થળની યાત્રા બાદ શ્રદ્ધાળુઓને સંબોધતા કહ્યાં હતાં.સ્વામી વિવેકાનંદ આ સ્થળથી ઘણા જ અભિભૂત થયા હતાં. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.