ડિજિટલ રાઈટ્સના વેચાણમાં ‘સિકંદર’ કરતાં ‘લવ એન્ડ વોર’ને વધુ આવક

મુંબઈ, સલમાન ખાનના નામ માત્રથી ફિલ્મો બ્લોકબસ્ટર બની જતી હોય, તે દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. સલમાન ખાનનો સ્ટારપાવર ઘટી રહ્યો હોવાના ગણગણાટને તાજેતરમાં ડિજિટલ રાઈટ્સના સોદાએ વેગ આપ્યો છે. જેમાં સલમાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ કરતાં રણબીર-આલિયાની ‘લવ એન્ડ વોર’ના ડિજિટલ રાઈટ્સ વધારે કિંમતે વેચાયા છે.
‘સિકંદર’ના ડિજિટલ રાઈટ્સ નેટફ્લિક્સે રૂ.૮૫ કરોડમાં ખરીદ્યા છે, જ્યારે ‘લવ એન્ડ વોર’ના ડિજિટલ રાઈટ્સ રૂ.૧૩૦ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. ઈદ પર રિલીઝ થઈ રહેલી સલમાનની ‘સિકંદર’ માટે ઘણી ઉત્સુકતા છે. ફિલ્મની રિલીઝ પહેલાં તેના ડિજિટલ રાઈટ્સ વેચાયા છે, પરંતુ તેમાં અપેક્ષા કરતાં ઓછી કિંમત મળી છે.
એ આર મુરગોદાસના ડાયરેક્શનમાં ‘સિકંદર’ પાછળ રૂ.૨૦૦ કરોડનો ખર્ચ થયો છે. આ ફિલ્મે રિલીઝ પહેલાં જ રૂ.૧૬૫ કરોડની આવક મેળવી લીધી છે. નેટફ્લિક્સને રૂ.૮૫ કરોડમાં ડિજિટલ રાઈટ્સ વેચવામાં આવ્યા છે, જ્યારે મ્યૂઝિક રાઈટ્સમાંથી રૂ.૩૦ કરોડ અને સેટેલાઈટ રાઈટ્સમાંથી રૂ.૫૦ કરોડ મળ્યા છે.
રિલીઝ પહેલાં જ ફિલ્મે મોટાભાગનું બજેટ વસૂલ કરાવી દીધું છે, પરંતુ ડિજિટલ રાઈટ્સના વેચાણમાં સૌથી વધુ કિંમત મેળવનારી પાંચ ફિલ્મોમાં ‘સિકંદર’નો સમાવેશ થતો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ડિજિટલ રાઈટ્સમાં સૌથી વધુ કિંમત શાહરૂખ ખાનની ‘ડંકી’ને મળી હતી. આ ફિલ્મના રાઈટ્સ ૧૫૫ કરોડમાં વેચાયા હતા.
બીજા નંબરે આલિયા-રણબીરની ‘લવ એન્ડ વોર’ આવે છે. આ ફિલ્મનું પ્રોડક્શન પૂરું થાય તે પહેલાં જ રૂ.૧૩૦ કરોડમાં ડિજિટલ રાઈટ્સ વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. અજય દેવગનની ‘સિંઘમ અગેઈન’ના રાઈટ્સ રૂ.૧૩૦ કરોડ, શાહરૂખની ‘જવાન’ અને ‘એનિમલ’ના રાઈટ્સ રૂ.૧૨૦ કરોડમાં વેચાયા હતા.
પાંચમા નંબરે ‘પઠાણ’ના રાઈટ્સ રૂ.૧૦૦ કરોડ અને ત્યાર પછી છઠ્ઠા ક્રમે ‘સિકંદર’ના રાઈટ્સ રૂ.૮૫ કરોડમાં વેચાયા હતા. ડિજિટલ રાઈટ્સના વેચાણમાં સૌથી વધુ કિંમત મેળવનારી ફિલ્મોમાંથી ત્રણ ફિલ્મ શાહરૂખની અને બે રણબીર કપૂરની છે.
સલમાનની એક પણ ફિલ્મ ટોપ-૫માં નથી. સલમાનની ‘ટાઈગર ૩’ના ડિજિટલ રાઈટ્સ રૂ.૧૦૦ કરોડથી વધુમાં વેચાયા હોવાનું મનાય છે, પરંતુ આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી. ડિજિટલ રાઈટ્સમાં વધારે કિંમત મળવાથી ફિલ્મની સફળતાની શક્યતામાં વધારો થતો નથી. પરંતુ ફિલ્મની રિલીઝ પૂર્વે થતા આ પ્રકારના સોદાના કારણે સ્ટારની લોકપ્રિયતા અને ફિલ્મની સફળતાનો અંદાજ આવી શકે છે.
સલમાનની ‘સિકંદર’ને રિલીઝ પહેલાં બજેટના ૮૦ ટકાથી વધુ રકમ મળી ગઈ છે ત્યારે આ ફિલ્મને નુકસાન જવાની શક્યતા નથી. જો કે ડિજિટલ રાઈટ્સમાં શાહરૂખ અને રણબીર પછી સલમાનનું નામ આવી રહ્યું છે. જેના કારણે સલમાનના નામે ફિલ્મ બ્લોકબસ્ટર બનવાની શક્યતાઓ સામે પણ અનિશ્ચિતતા ઊભી થઈ છે.SS1MS